સુરત: સુરત શહેરમાં ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત આપવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સહાય વિતરણની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે, માત્ર બે દિવસમાં 2,500 પરિવારોને કુલ રૂ.1.50 કરોડની કેશ ડોલ્સ તથા ઘરવખરી સહાય ચૂકવવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વેના આધારે પાત્ર પરિવારોને રોકડ સહાય અને ઘરવખરી માટેની સહાય સીધી ચૂકવવામાં આવી રહી છે.
હાલ સુરત શહેરના છ તાલુકામાં 50 સર્વે ટીમો સતત કામગીરી કરી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે-ઘરે જઈ નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈપણ પાત્ર પરિવાર સહાયથી વંચિત ન રહે.
જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સર્વે પૂર્ણ થશે ત્યાં તબક્કાવાર સહાયની ચુકવણી કરવામાં આવશે અને બાકી રહેલા તમામ પરિવારોને પણ શક્ય તેટલી વહેલી તકે સરકારની સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે.











