સુકા પવનોના કારણે ચોમાસાને બ્રેક, આવતા સપ્તાહે નવા લો-પ્રેશરથી ફરી વરસાદી માહોલ બનવાની સંભાવના

નવી દિલ્હી: મહારાષ્ટ્ર, ગુજરાત સહિત પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસાવ્યા બાદ ચોમાસાની ગતિ હાલ ધીમી પડી છે. છેલ્લા બે દિવસથી ગુજરાત સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાતા સુકા અને ગરમ પવનોના કારણે ભેજયુક્ત ચોમાસાના પવનોને આગળ વધવામાં અવરોધ ઊભો થયો છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આ પરિસ્થિતિના કારણે દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત તેમજ પશ્ચિમ મધ્ય પ્રદેશમાં આગામી થોડા દિવસો સુધી વરસાદી પ્રવૃત્તિમાં ઘટાડો જોવા મળી શકે છે. જોકે, આવતા સપ્તાહ દરમિયાન બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સિસ્ટમ સર્જાવાની શક્યતા હોવાથી ચોમાસું ફરી સક્રિય બનવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચોમાસાના મુખ્ય પવનો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજ લઈને આવે છે, પરંતુ ઉત્તર-પશ્ચિમ તરફથી આવતા સુકા પવનો આ ભેજયુક્ત પવનોને આગળ વધતા રોકે છે. પરિણામે વરસાદી વાદળોની રચનામાં ઘટાડો થાય છે અને વરસાદની ગતિ ધીમી પડી જાય છે.

જૂન મહિનામાં દેશભરમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાતા અનેક રાજ્યોમાં 20થી 30 ટકા સુધી વરસાદની ખાધ સર્જાઈ હતી. જુલાઈની શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડતાં સ્થિતિમાં સુધારો થયો હતો, પરંતુ હવે ફરી સુકા પવનોના કારણે ચોમાસાની ગતિ પર અસર જોવા મળી રહી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ 13થી 15 જુલાઈ દરમિયાન પૂર્વ ભારતમાં બંગાળની ખાડી ઉપર નવું લો-પ્રેશર સિસ્ટમ વિકસશે. આ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધતાં પૂર્વ અને મધ્ય ભારત સહિત અનેક વિસ્તારોમાં ફરી સારા વરસાદની શક્યતા છે.

વિવિધ હવામાન મોડલના આધારે જુલાઈના બીજા પખવાડિયામાં દેશભરમાં સરેરાશ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વીય રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે છે, જ્યારે ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

ગુજરાતમાં પ્રથમ વરસાદી રાઉન્ડ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો અને રાજ્યમાં સરેરાશ આશરે 25 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. જોકે હજુ પણ કેટલાક તાલુકાઓમાં વરસાદની અછત યથાવત છે. દેશવ્યાપી સારા વરસાદના કારણે ચોમાસાની વરસાદી ખાધ પણ અગાઉના લગભગ 40 ટકાથી ઘટીને આશરે 12થી 15 ટકા સુધી પહોંચી ગઈ હોવાનું નોંધાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE