મહેસાણા: ભ્રષ્ટાચાર સામે ગાંધીનગર ACBને વધુ એક સફળતા મળી છે. કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અમીન હુસેન શેખને રૂ. 80 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.
ACBના જણાવ્યા અનુસાર, લાંઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદનો નિકાલ કરી અનુકૂળ કાર્યવાહી કરી આપવાના બહાને આરોપી કોન્સ્ટેબલે ફરિયાદી પાસેથી રૂ. 2 લાખની લાંચની માંગણી કરી હતી. વાટાઘાટ બાદ લાંચની રકમ રૂ. 80 હજાર નક્કી કરવામાં આવી હતી.
ફરિયાદ મળતા ગાંધીનગર ACBએ ઈરાણા ત્રણ રસ્તા નજીક છટકું ગોઠવ્યું હતું. પૂર્વ આયોજન મુજબ ફરિયાદીએ લાંચની રકમ આપતા જ આરોપી કોન્સ્ટેબલને લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો.
ACBએ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. સાથે જ સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે મુદ્દે પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે ACBની સતત કાર્યવાહી વચ્ચે આ કેસ પોલીસ વિભાગ માટે પણ ચર્ચાનો વિષય બન્યો છે.











