નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સાથે જોડાયેલા દેશના કરોડો કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. EPFO દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે 8.25 ટકા વાર્ષિક વ્યાજની રકમ 15 જુલાઈ સુધીમાં અંદાજે 34 કરોડ PF ખાતાઓમાં જમા કરવામાં આવશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ નવી ડિજિટલ વ્યવસ્થાની માહિતી આપતા જણાવ્યું કે પ્રથમ વખત સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
મનસુખ માંડવિયાએ જણાવ્યું કે EPFOએ તમામ પ્રાદેશિક અને ફિલ્ડ ઓફિસોના ડેટાને એક જ સેન્ટ્રલાઇઝ્ડ નેશનલ ડેટાબેઝ સાથે જોડ્યો છે. તેના કારણે હવે સભ્યો દેશની કોઈપણ EPFO ઓફિસમાંથી પોતાની સેવાઓ મેળવી શકશે અને અલગ-અલગ ઓફિસમાં જવાની જરૂર નહીં રહે.
તેમણે વધુમાં જણાવ્યું કે અગાઉ વ્યાજ જાહેર થયા બાદ ખાતામાં રકમ જમા થવામાં અનેક મહિના લાગી જતા હતા, પરંતુ હવે નવી IT સિસ્ટમના કારણે 15 જુલાઈ સુધીમાં 1.44 લાખ કરોડ રૂપિયાથી વધુનું વ્યાજ સીધું સભ્યોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. સભ્યો આ રકમ ઓનલાઈન સરળતાથી ચકાસી શકશે.
દેશના કોઈપણ શહેરમાંથી મળશે EPFO સેવા
નવી વ્યવસ્થા હેઠળ EPS પેન્શનધારકો હવે દેશની કોઈપણ EPFO ઓફિસમાં સેવા મેળવી શકશે. લાઇફ સર્ટિફિકેટ પણ ગમે ત્યાં જમા કરાવી શકાશે અને પેન્શન દેશના કોઈપણ બેંક ખાતામાં પ્રાપ્ત કરી શકાશે. અગાઉ પેન્શન માત્ર નિર્ધારિત શાખા મારફતે જ મળતું હતું.
નોકરી બદલતાં PF ખાતું આપોઆપ ટ્રાન્સફર થશે
નવી સિસ્ટમમાં આધાર સાથે જોડાયેલા PF ખાતાઓ નોકરી બદલ્યા બાદ ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે. સાથે સર્વિસ હિસ્ટ્રી પણ આપોઆપ ટ્રાન્સફર થશે, જેના કારણે પેન્શન માટે જરૂરી સતત સેવા જળવાઈ રહેશે. અગાઉ આ પ્રક્રિયા માટે અલગથી અરજી અને વિવિધ મંજૂરીઓ લેવી પડતી હતી.
₹5 લાખ સુધીના ક્લેમનું ઝડપી સેટલમેન્ટ
EPFOએ ₹5 લાખ સુધીના ક્લેમ માટે ઓટો સેટલમેન્ટ સિસ્ટમ અમલમાં મૂકી છે. મંજૂરી મળ્યાના જ દિવસે રકમ સીધી સભ્યના બેંક ખાતામાં જમા થશે. ઉપરાંત હવે અંતિમ PF સેટલમેન્ટમાં વ્યાજની ગણતરી ચુકવણી મંજૂર થયાની તારીખ સુધી કરવામાં આવશે, જેથી સભ્યોને વધુ લાભ મળશે.
ક્લેમ પ્રક્રિયા બનશે વધુ સરળ
નવી યુનિફાઇડ મેમ્બર પોર્ટલ પર સભ્યોને PF બેલેન્સ, ક્લેમ સ્ટેટસ, પેન્શન માટેની પાત્ર સેવા અને અન્ય તમામ વિગતો એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. ક્લેમ દાખલ કરતી વખતે કોઈપણ ખામી હશે તો તેની જાણ ઓનલાઈન તેમજ SMS દ્વારા કરવામાં આવશે, જેથી સભ્ય તરત જ જરૂરી સુધારો કરી શકશે. EPFOનું માનવું છે કે આ નવી વ્યવસ્થાથી ક્લેમ રિજેક્ટ થવાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થશે અને સેવા વધુ પારદર્શક તથા ઝડપી બનશે.










