રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું: 8 કલાકમાં માત્ર 59 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ

નાનાપોંઢામાં દોઢ ઈંચ વરસાદ સૌથી વધુ; કપરાડા અને ડાંગમાં પણ નોંધપાત્ર વર્ષા

ગાંધીનગર: દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હવે વરસાદનું જોર ધીમું પડતું જોવા મળી રહ્યું છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના આઠ કલાક દરમિયાન રાજ્યના માત્ર 59 તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં સૌથી વધુ 1.50 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે કપરાડામાં 1.34 ઈંચ અને ડાંગ જિલ્લામાં 0.94 ઈંચ વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાથી લઈને પોણા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદની સરખામણીએ આજે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતાં અનેક વિસ્તારોમાં લોકોને રાહતનો અનુભવ થયો હતો.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા યથાવત રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સ્થાનિક સ્તરે ભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE