સુરતમાં ખાખીની માનવતા: બે માસૂમોના મોત બાદ ગળાડૂબ પાણીમાં PI કુલદીપસિંહ ગોહિલ ટીમ સાથે ઉતર્યા

સચિન GIDCમાં વરસાદી પાણી ભરાયેલા ખાડામાં બે બાળકો ડૂબ્યા; અન્ય કોઈ બાળક ફસાયું નથી તેની ખાતરી માટે પોલીસે ચલાવ્યું સર્ચ ઓપરેશન

સુરત: દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વચ્ચે સુરતના સચિન GIDC વિસ્તારમાં હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં બે માસૂમ બાળકો ડૂબી જતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ દુર્ઘટના બાદ ખાખીની માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું, જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ગોહિલ પોતાની ટીમ અને ફાયર બ્રિગેડના જવાનો સાથે ગળાડૂબ પાણીમાં ઉતરી સર્ચ કામગીરીમાં જોડાયા હતા.

છેલ્લા 24 કલાકમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસતાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સચિન GIDC વિસ્તારમાં પણ પાણી ભરાયેલા એક ઊંડા ખાડામાં બે બાળકો ડૂબી જતાં તેમનું દુઃખદ મોત થયું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર, છઠ્ઠ પૂજાના આયોજન માટે સોસાયટી દ્વારા બનાવવામાં આવેલા ખાડામાં વરસાદી પાણી ભરાઈ જતાં આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી.

બે બાળકોના મોત બાદ તેમની સાથે રમતા અન્ય કોઈ બાળક પણ પાણીમાં ગરકાવ થયું હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને PI કુલદીપસિંહ ગોહિલે કોઈપણ જોખમની પરવા કર્યા વિના પોતે પાણીમાં ઉતરી તપાસ શરૂ કરી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવી સમગ્ર વિસ્તારની ચકાસણી કરી હતી.

આ ઘટનાએ એક તરફ બે નિર્દોષ બાળકોના મોતથી સમગ્ર વિસ્તારને શોકમાં ગરકાવ કર્યો છે, તો બીજી તરફ પોલીસની માનવતાભરી કામગીરીએ લોકોમાં વિશ્વાસ પણ વધાર્યો છે. નોંધનીય છે કે, PI કુલદીપસિંહ ગોહિલ અગાઉ પણ શાપર અને મેટોડા વિસ્તારમાં પોતાની લોકકેન્દ્રિત અને અસરકારક કામગીરીને કારણે પ્રશંસા મેળવી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE