દેવગઢબારીયાના સરપંચ ACBના જાળમાં: ₹50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

દારૂના કેસમાં પોલીસ સાથે સમાધાન કરાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી લાંચ માંગ્યાનો આક્ષેપ; ગોધરા ACBની સફળ ટ્રેપ કાર્યવાહી

દેવગઢબારીયા: દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના મોટા ફળિયા આંકલી ગામના સરપંચ રમેશ ભીખાભાઈ બારીયાને રૂપિયા 50 હજારની લાંચ સ્વીકારતા ગોધરા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. સરપંચની ધરપકડ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ફરિયાદ અનુસાર, ફરિયાદી સામે નોંધાયેલા દારૂના કેસની પતાવટ કરાવી આપવાના બહાને સરપંચે પોતે પોલીસના વચેટિયા હોવાનું જણાવી રૂપિયા 50 હજારની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ આ અંગે ગોધરા ACBનો સંપર્ક કરતાં અધિકારીઓએ પ્રાથમિક ચકાસણી બાદ ટ્રેપ ગોઠવવાનો નિર્ણય લીધો હતો.

ACBની ટીમે દેવગઢબારીયા તાલુકા નજીક જાહેર માર્ગ પર આયોજનબદ્ધ છટકું ગોઠવ્યું હતું. પૂર્વ આયોજન મુજબ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા જ સરપંચ રમેશ ભીખાભાઈ બારીયાને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

ટ્રેપ સફળ બન્યા બાદ ACBએ આરોપીની સ્થળ પર જ ધરપકડ કરી જરૂરી પુરાવા કબજે કર્યા હતા. સરપંચ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

તપાસ દરમિયાન લાંચ પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિ અથવા પોલીસ કર્મચારીની સંડોવણી છે કે નહીં તે સહિત તમામ મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE