બ્યુટી પાર્લર સંચાલિકાનું મંગળસૂત્ર અને પર્સ ચોરી ફરાર થઈ હતી; ક્રાઈમ બ્રાન્ચે ₹83 હજારનો મુદ્દામાલ કર્યો કબજે
વડોદરા: વડોદરા શહેરમાં ધાર્મિક વિધીના બહાને મહિલાઓને વિશ્વાસમાં લઈ કિંમતી દાગીના અને રોકડની ઠગાઈ કરતી બે શાતિર મહિલાઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. બંને આરોપીઓએ બ્યુટી પાર્લર સંચાલિકાને વિધી કરાવવાના બહાને વાતોમાં ભોળવી તેનું મંગળસૂત્ર અને પર્સ લઈને ફરાર થઈ ગયા હતા.
ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બંને મહિલાઓને શોધી કાઢી તેમની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી અંદાજે ₹83 હજાર કિંમતનું મંગળસૂત્ર કબજે કર્યું છે.
તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે બંને મહિલાઓ સામે દહેગામ, આદિપુર, વારાહી સહિત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં કુલ 11 ગુનાઓ નોંધાયેલા છે. તેઓ લાંબા સમયથી વિધી, પૂજા અને અંધશ્રદ્ધાના બહાને લોકોને વિશ્વાસમાં લઈ ઠગાઈ આચરતી હોવાની માહિતી સામે આવી છે.
ક્રાઈમ બ્રાન્ચ હાલમાં આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં નોંધાયેલા સમાન પ્રકારના ગુનાઓમાં પણ તેમની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસે નાગરિકોને અજાણ્યા લોકો દ્વારા ધાર્મિક વિધી, ઉપાય અથવા દોષ નિવારણના બહાને વિશ્વાસમાં લેવાના પ્રયાસોથી સાવચેત રહેવા અને આવી કોઈ શંકાસ્પદ ઘટના બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી છે.











