લોખંડની સીડીમાં ઉતરેલા કરંટે લીધો બે યુવાનોનો ભોગ; મિત્રને બચાવવા ગયેલો યુવક પણ જીવ ગુમાવ્યો
સુરત: શહેરમાં ધોધમાર વરસાદ વચ્ચે રાંદેર વિસ્તારમાં એક અત્યંત કરૂણ અને ચોંકાવનારી ઘટના બની છે. વરસાદમાં નાહીને ઘરે પરત ફરી રહેલા યુવકને લોખંડની સીડીમાં ઉતરેલા વીજ કરંટનો ઝટકો લાગતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેને બચાવવા માટે દોડેલો તેનો મિત્ર પણ કરંટની ચપેટમાં આવી જતાં બંનેના કરૂણ મોત થતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાંદેરગામની મોટી મસ્જિદ નજીક આવેલી સુઝાતખાન સ્ટ્રીટમાં રહેતા 28 વર્ષીય આઝમ આલમ અબ્દુલ કમાલ ભારે વરસાદ દરમિયાન બહાર નાહવા ગયા હતા. ભીના કપડાં સાથે ઘરે પરત ફર્યા બાદ તેઓ લોખંડની સીડી ચઢી રહ્યા હતા, ત્યારે સીડીમાં ઉતરેલા વીજ કરંટની ચપેટમાં આવી ગયા હતા. જોરદાર કરંટ લાગતા તેઓ સીડી પર જ ઢળી પડ્યા અને મદદ માટે બૂમો પાડી હતી.
આ અવાજ સાંભળીને નજીકમાં રહેતા તેમના મિત્ર 43 વર્ષીય મોહમ્મદ સલમાન મોહમ્મદ ઈરશાદ શેખ તરત જ તેમને બચાવવા દોડી આવ્યા હતા. પરંતુ ભીના શરીરના કારણે તેઓ પણ હાઈ વોલ્ટેજ કરંટની ચપેટમાં આવી ગયા. બંને મિત્રો કરંટના જોરદાર ઝટકાથી ગંભીર રીતે દાઝી ગયા અને ઘટનાસ્થળે જ બેભાન થઈ પડ્યા.
સ્થાનિક લોકોએ બંનેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને વીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં લોખંડની સીડીમાં શોર્ટ સર્કિટના કારણે કરંટ ઉતર્યો હોવાનું સામે આવ્યું છે.
આ દુર્ઘટનાએ સમગ્ર રાંદેર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વરસાદી મોસમ દરમિયાન વીજળીના સાધનો, ખુલ્લા વાયર અને લોખંડની વસ્તુઓથી સાવચેત રહેવાની અપીલ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.










