કચ્છના દરિયાકાંઠે હાઈ એલર્ટ: મરીન ટાસ્ક ફોર્સની વિશેષ કાર્યવાહી, સુરક્ષા વ્યવસ્થા કરાઈ વધુ સઘન

કચ્છ: દેશની દરિયાઈ સરહદોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કચ્છના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરી સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત મોહાડીથી અલ્ટ્રાટેક જેટી સુધીના સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા દળોએ સઘન તપાસ હાથ ધરી હતી. દરિયાઈ માર્ગો, બોટોની અવરજવર તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી.

મરીન કમાન્ડોની ટીમોએ દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી હતી. સંભવિત દાણચોરી, ડ્રગ્સની હેરાફેરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે વિવિધ સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

સુરક્ષા એજન્સીઓએ સ્થાનિક માછીમારો સાથે પણ બેઠક યોજી તેમને દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, અજાણી વ્યક્તિ અથવા ડ્રગ્સ સંબંધિત હિલચાલ જોવા મળે તો તાત્કાલિક પોલીસ અથવા સુરક્ષા એજન્સીઓને જાણ કરવા અપીલ કરી હતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ, દરિયાઈ સરહદોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આગામી દિવસોમાં પણ કચ્છના દરિયાકાંઠે વિશેષ પેટ્રોલિંગ અને સઘન ચેકિંગ અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE