અમદાવાદ: ગુજરાતમાં મેઘરાજા વધુ આક્રમક બન્યા છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના કુલ 21 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેમજ વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ, નદી-નાળાઓમાં જળસ્તર વધવાની શક્યતા અને માર્ગ વ્યવહાર પ્રભાવિત થવાની આશંકાને પગલે જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, વરસાદી વિસ્તારોમાં સાવચેતી રાખવા, વીજળીના સમયે ખુલ્લા સ્થળોથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર હવામાન અપડેટ પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. આગામી કલાકો દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.










