અમદાવાદ: રાજ્યમાં ચોમાસું હવે વધુ સક્રિય બનતાં હવામાન વિભાગે આજે અનેક જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વચ્ચે વિવિધ સ્તરના એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
રેડ એલર્ટ
અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઓરેન્જ એલર્ટ
પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
યલો એલર્ટ
દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હોવાથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં જળસ્તર વધવા અને વીજળીના કડાકા-ભડાકા સાથે તેજ પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. લોકોને સાવચેતી રાખવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને તંત્ર દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.










