રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ હાઈજેકની મોકડ્રીલ: 65 મુસાફરોને બંધક બનાવ્યાનું દૃશ્ય સર્જાયું

કંટ્રોલ રૂમમાં હાઈજેકનો સંદેશ મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ; કમાન્ડો ઓપરેશન બાદ ત્રણેય ‘આતંકવાદીઓ’એ કર્યું આત્મસમર્પણ

રાજકોટ: રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે હાઈજેકની ઘટનાને આધારે યોજાયેલી ફુલ-સ્કેલ મોકડ્રીલ દરમિયાન થોડા સમય માટે હાઈ એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સવારે અંદાજે 11:30 વાગ્યે એરપોર્ટ કંટ્રોલ રૂમમાં 65 મુસાફરો સાથેની એર ઈન્ડિયાની ફ્લાઇટ હાઈજેક થઈ હોવાનો સંદેશ મળતા સમગ્ર સુરક્ષા તંત્ર તાત્કાલિક એક્શનમાં આવી ગયું હતું.

મોકડ્રીલના દૃશ્ય મુજબ ત્રણ ‘આતંકવાદીઓ’એ વિમાન પર કબજો જમાવી કેન્દ્રીય ગૃહમંત્રી સાથે સીધી વાત કરવાની માંગ કરી હતી. ઘટનાને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે એક મુસાફરને ઇજા પહોંચી હોવાનું પણ દર્શાવવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર ઓપરેશન વધુ ગંભીર બન્યું હતું.

ઘટનાની જાણ થતાં જ પોલીસ, CISF, કમાન્ડો દળો, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ અને અન્ય તમામ ઇમરજન્સી એજન્સીઓએ સંયુક્ત રીતે મોરચો સંભાળ્યો હતો. એક તરફ સરકારના પ્રતિનિધિ દ્વારા આતંકવાદીઓ સાથે સતત વાટાઘાટો ચાલી રહી હતી, તો બીજી તરફ કમાન્ડો ટીમે વિમાનને ચારેય તરફથી ઘેરી વ્યૂહાત્મક કાર્યવાહી શરૂ કરી હતી.

આયોજિત ઓપરેશનના અંતે કમાન્ડોની ઝડપી અને સુનિયોજિત કાર્યવાહી સામે ત્રણેય ‘આતંકવાદીઓ’એ આત્મસમર્પણ કર્યું હતું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

બાદમાં અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે સમગ્ર ઘટના માત્ર મોકડ્રીલનો ભાગ હતી. એરપોર્ટ પર કોઈ વાસ્તવિક હાઈજેકની ઘટના બની નહોતી. આ કવાયતનો મુખ્ય હેતુ હાઈજેક જેવી કટોકટીની સ્થિતિમાં વિવિધ સુરક્ષા એજન્સીઓની તૈયારી, સંકલન અને ત્વરિત પ્રતિસાદની ક્ષમતાનું મૂલ્યાંકન કરવાનો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE