અમરનાથ યાત્રાનો કાલથી પ્રારંભ: બેઝ કેમ્પ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ, સુરક્ષા ચુસ્ત

57 દિવસની પવિત્ર યાત્રા માટે પ્રથમ જથ્થો રવાના; ચાર લાખથી વધુ ભાવિકોએ કરાવ્યું ઓનલાઈન નોંધણી

જમ્મુ: ભગવાન અમરનાથની 57 દિવસીય પવિત્ર યાત્રાનો ગુરુવારથી પ્રારંભ થઈ રહ્યો છે. યાત્રા શરૂ થાય તે પહેલાં જ જમ્મુ અને પહેલગામ બેઝ કેમ્પ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સ્પોટ રજિસ્ટ્રેશન માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં કેટલાક સ્થળોએ ધક્કામુક્કી જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. બીજી તરફ યાત્રાને આતંકવાદી ખતરાથી સુરક્ષિત રાખવા માટે સુરક્ષા દળોએ અભૂતપૂર્વ બંદોબસ્ત ગોઠવ્યો છે.

યાત્રા માટે શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી જમ્મુથી રવાના કરવામાં આવી છે. આ વર્ષે યાત્રા બાલટાલ અને પહેલગામ એમ બંને પરંપરાગત માર્ગોથી યોજાશે. ઓનલાઈન નોંધણી ઉપરાંત સ્થળ પર પણ નોંધણી શરૂ થતાં મોટી સંખ્યામાં ભાવિકો બેઝ કેમ્પ પર પહોંચી રહ્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ઓનલાઈન નોંધણી કરાવી છે. યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર યાત્રા માર્ગને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ નહીં હોય, જ્યારે ટટ્ટુ અને પાલકી જેવી વૈકલ્પિક સુવિધાઓ યથાવત રાખવામાં આવી છે.

સમગ્ર યાત્રા માર્ગ પર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. 34 એઆઈ આધારિત ફેશિયલ રિકગ્નિશન કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે, જે શંકાસ્પદ વ્યક્તિઓ અને સંભવિત આતંકી ગતિવિધિઓ પર સતત નજર રાખશે. કોઈપણ શંકાસ્પદ હિલચાલ સામે તરત જ સુરક્ષા દળોને એલર્ટ મળશે.

આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સ્નિફર ડોગ્સ તેમજ જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને ભારતીય સેનાની સંયુક્ત ટીમો સમગ્ર યાત્રા માર્ગ પર સતત તૈનાત રહેશે. રોડ ઓપનિંગ પાર્ટી દ્વારા દરરોજ માર્ગની સઘન તપાસ કરવામાં આવશે, જેથી લાખો શ્રદ્ધાળુઓની યાત્રા સુરક્ષિત અને નિર્વિઘ્ન રીતે પૂર્ણ થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE