રાજુલામાં રાયડી નદીમાં ઘોડાપૂર, બકરાં તણાયા; પશુપાલકનો ગ્રામજનોની મદદથી બચાવ
અમરેલી: લાંબી રાહ બાદ ચોમાસાએ અમરેલી જિલ્લામાં જોરદાર પધરામણી કરતાં જિલ્લાના 11માંથી 10 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. અમરેલી શહેર સહિત રાજુલા, જાફરાબાદ, ખાંભા, બગસરા, વડીયા, લીલીયા, લાઠી અને અન્ય વિસ્તારોમાં મેઘરાજાની મહેર વરસતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. બીજી તરફ ગોહિલવાડના મહુવા અને તળાજા વિસ્તારમાં પણ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
અમરેલી શહેરમાં લગભગ 12 દિવસ બાદ સારો વરસાદ નોંધાતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી વાહનચાલકો અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં વાવણીને લઈને નવી આશા જાગી છે.
રાજુલા તાલુકાના ચોત્રા ગામે ભારે વરસાદના કારણે રાયડી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદીમાં આવેલા તેજ પ્રવાહમાં પશુપાલક ધકડાભાઈના અંદાજે 15થી 20 બકરાં તણાઈ ગયા હતા. બકરાંને બચાવવાના પ્રયાસ દરમિયાન પશુપાલક પોતે પણ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા, પરંતુ ગામલોકોની સમયસરની સતર્કતા અને બહાદુરીથી તેમનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. પ્રથમ જ વરસાદમાં નદીમાં આવેલા ઘોડાપૂરને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
રાજુલા તાલુકાના પીપાવાવ, ખાખબાઈ, છતડીયા, હિંડોરણા, કાતર, કોટડી, બારપટોળી, ખેરા, પટવા, સમઢિયાળા, વડ અને કડિયાળી સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાયો હતો. પીપાવાવ પોર્ટ વિસ્તારમાં પણ વરસાદથી વાતાવરણ ખુશનુમા બન્યું હતું.
જાફરાબાદ તાલુકાના કાગવદર, મીઠાપુર, દુધાળા, હેમાળ, લોર, ફાચરિયા, માણસા અને પાટી માણસા ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. પાટી માણસા ગામે ભાડિયો નદીમાં નવા નીરની આવક શરૂ થઈ હતી.
ખાંભા ગીર પંથકમાં ખાંભા શહેર ઉપરાંત તાલડા, ચોત્રા, ત્રાકુડા અને ભાવરડી ગામોમાં વરસાદથી ખેતરો પાણીથી તરબતર થઈ ગયા હતા. બગસરા તાલુકામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો, જ્યારે મોટા મુંજયાસર અને ડેરી પીપળીયા સહિતના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો.
વડીયા તાલુકાના અરજણસુખ, અનિડા, ઉજળા, ખાખરિયા અને મોટા ઉજળા ગામોમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી. વરસાદના કારણે જિલ્લાના જળાશયો અને નદીઓમાં નવા નીરની આવક શરૂ થતાં ખેડૂતો ઉપરાંત સામાન્ય નાગરિકોમાં પણ રાહત અને આનંદની લાગણી વ્યાપી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન અમરેલી જિલ્લામાં અમરેલીમાં 40 મીમી, કુંકાવાવ-વડીયામાં 30 મીમી, બાબરામાં 7 મીમી, લાઠીમાં 7 મીમી, લીલીયામાં 24 મીમી, બગસરામાં 52 મીમી, ધારીમાં 1 મીમી, ખાંભામાં 3 મીમી, જાફરાબાદમાં 3 મીમી અને રાજુલામાં 45 મીમી વરસાદ નોંધાયો હતો.










