એલપીજી ગ્રાહકોને રાહત: કોમર્શિયલ સિલિન્ડર ₹183.50 સસ્તુ, 5 કિલોના સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં નરમાઈ તેમજ હોર્મુઝ જળમાર્ગ પર સપ્લાય સામાન્ય બનતાં દેશમાં એલપીજી ગ્રાહકોને રાહત મળી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹183.50નો ઘટાડો જાહેર કર્યો છે.

નવી કિંમતો અનુસાર દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર હવે ₹2,930માં મળશે, જ્યારે અગાઉ તેનો ભાવ ₹3,113.50 હતો. આ ઘટાડાથી હોટલ, રેસ્ટોરન્ટ, કેટરિંગ અને નાના વેપારીઓને સીધો લાભ મળશે.

સરકારે 5 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ₹13નો ઘટાડો કર્યો છે. હવે આ સિલિન્ડર ₹808.50માં ઉપલબ્ધ રહેશે, જેનો અગાઉનો ભાવ ₹821.50 હતો. જોકે 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2026માં પ્રથમ વખત કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ માર્ચથી અત્યાર સુધી ચાર વખત ભાવ વધારવામાં આવ્યા હતા, જેમાં મે મહિનામાં સૌથી મોટો વધારો નોંધાયો હતો.

આ સાથે સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનો પરના વિન્ડફોલ ટેક્સમાં પણ ફેરફાર કર્યો છે. પેટ્રોલ પરનો વિન્ડફોલ ટેક્સ પ્રતિ લિટર ₹1.50થી વધારી ₹4 કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલ પરનો નિકાસ ટેક્સ ₹14થી ઘટાડીને ₹8.50 અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરનો નિકાસ ટેક્સ ₹12.50થી ઘટાડીને ₹7.50 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે.

સરકારના મતે આ નિર્ણયોથી નિકાસ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે અને વૈશ્વિક બજારમાં ભારતીય પેટ્રોલિયમ ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા વધુ મજબૂત બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE