હિમાચલમાં ગોઝારો અકસ્માત: 300 ફૂટ ઊંડી ખીણમાં કાર ખાબકતા ત્રણ મહિલાઓ સહિત 4ના કરૂણ મોત

હિમાચલ પ્રદેશ: ચંબા જિલ્લાના ચુરાહ ઉપમંડળમાં મોડી રાત્રે એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે. નકરોડ-હિંગિરી માર્ગ પર ડેમ સાઇડ નજીક મારુતિ અલ્ટો કાર બેકાબૂ બની આશરે 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી જતાં ત્રણ મહિલાઓ સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર, કાર ચાલકે વાહન પરથી નિયંત્રણ ગુમાવતાં કાર રસ્તા પરથી નીચે સરકીને બૈરા સ્યૂલ નદી તરફની ઊંડી ખીણમાં જઈ પડી હતી. અકસ્માત રાત્રિના સમયે બન્યો હોવાથી તેની કોઈને જાણ થઈ નહોતી.

વહેલી સવારે સ્થાનિક લોકોએ ખીણમાં અકસ્માતગ્રસ્ત કાર જોઈ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ તીસા પોલીસ, વહીવટી તંત્ર અને અગ્નિશમન વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ચારેય મૃતદેહોને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માતમાં મૃત્યુ પામેલા ચારેય લોકો ચુરાહ ઉપમંડળની ટીકરીગઢ ગ્રામ પંચાયતના રહેવાસી હતા. મૃતકોની સત્તાવાર ઓળખ અને વાહનની માલિકી અંગેની કાર્યવાહી ચાલુ છે.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા ટેક્નિકલ તપાસ સહિત તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE