રૂ.2,870 કરોડના ખર્ચે બદલાશે વારાણસી એરપોર્ટનું રૂપ, રનવેની નીચેથી દોડશે નેશનલ હાઇવે

વારાણસી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં આવેલા લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ બનાવવા માટે રૂ.2,870 કરોડનો મહત્ત્વાકાંક્ષી વિસ્તરણ પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ એરપોર્ટની મુસાફર ક્ષમતા, આધુનિક સુવિધાઓ અને કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો થશે.

આ પ્રોજેક્ટની સૌથી અનોખી વિશેષતા એ છે કે દેશમાં પ્રથમ વખત કોઈ એરપોર્ટના રનવેની નીચેથી નેશનલ હાઇવે પસાર થશે. રનવે પર વિમાનોની અવરજવર ચાલુ રહેશે, જ્યારે તેની નીચે વાહનો સરળતાથી પસાર થઈ શકશે. આ એન્જિનિયરિંગનો અનોખો પ્રયોગ ગણાઈ રહ્યો છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ તાજેતરમાં પ્રોજેક્ટનું નિરીક્ષણ કરીને કામગીરી ઝડપી પૂર્ણ કરવા સૂચના આપી હતી. અગાઉ 13 મહિનાનો સમય નક્કી કરાયો હતો, પરંતુ હવે આ કામગીરી માત્ર 6 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સરકાર આ વર્ષના અંત સુધીમાં નવા ટર્મિનલને કાર્યરત કરવાની તૈયારીમાં છે.

હાલના ટર્મિનલની વાર્ષિક મુસાફર ક્ષમતા 40 લાખ છે, જે લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. નવા 75 હજાર ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામી રહેલા ટર્મિનલ બાદ આ ક્ષમતા વધીને 60 લાખ મુસાફરો સુધી પહોંચી જશે. પ્રતિ કલાક મુસાફરોને સંભાળવાની ક્ષમતા પણ 1,050થી વધીને 5,000 થશે.

નવા ટર્મિનલને કાશી વિશ્વનાથ મંદિરની સ્થાપત્ય શૈલીથી પ્રેરિત ડિઝાઇન આપવામાં આવી રહી છે. ટર્મિનલના આંતરિક ભાગમાં ભગવાન શિવની વિવિધ કલાત્મક મુદ્રાઓને આધારે આકર્ષક સજાવટ કરવામાં આવશે. ઉપરાંત 72 ચેક-ઇન કાઉન્ટર, 8 એરોબ્રિજ, આધુનિક બેગેજ કન્વેયર સિસ્ટમ અને વિશાળ સુરક્ષા ચેકિંગ વિસ્તાર જેવી સુવિધાઓ મુસાફરોને ઉપલબ્ધ થશે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વારાણસી એરપોર્ટ માત્ર ઉત્તર ભારતનું મહત્વનું હવાઈ કેન્દ્ર જ નહીં રહે, પરંતુ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મુસાફર સુવિધાઓની દૃષ્ટિએ દેશના અગ્રણી એરપોર્ટમાં પણ સ્થાન મેળવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE