કચ્છ: પશ્ચિમ કચ્છમાં ગેરકાયદેસર હથિયારો સામે આડેસર પોલીસે સફળ કાર્યવાહી કરતાં બે શખ્સોને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, આડેસર પોલીસ પલાસવા ગામની સીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક શંકાસ્પદ બોલેરો વાહનને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાહનમાંથી ગેરકાયદેસર દેશી બંદૂક મળી આવતાં પોલીસે બંને શખ્સોને સ્થળ પરથી જ કસ્ટડીમાં લઈ લીધા હતા.
પોલીસે દેશી બંદૂક કબજે કરીને આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે જ હથિયારનો સ્ત્રોત, તેનો ઉપયોગ કયા હેતુસર થવાનો હતો તેમજ આ પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
ગેરકાયદેસર હથિયારો સામે આડેસર પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.











