સુરત: ચોમાસાના પ્રથમ નોંધપાત્ર વરસાદે જ સુરત શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરીના દાવાઓની હકીકત ઉજાગર કરી દીધી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, રસ્તાઓ ધોવાઈ જવા અને માર્ગો બેસી જવાની ઘટનાઓ વચ્ચે પાલ વિસ્તારમાં BRTS બસ રોડ ધસતા ફસાઈ જવાની ઘટના સામે આવી છે.
માહિતી મુજબ, પાલ વિસ્તારમાં અચાનક માર્ગનો એક ભાગ બેસી જતાં ત્યાંથી પસાર થઈ રહેલી BRTS બસનો પાછળનો ભાગ જમીનમાં ખૂંપી ગયો હતો. ઘટનાને કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ હતી. સદનસીબે બસમાં મુસાફરી કરી રહેલા કોઈપણ મુસાફરને ઈજા પહોંચી નહોતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
આ ઘટના પહેલા પણ પાંડેસરા વિસ્તારમાં વરસાદી પાણીના કારણે બસ ફસાઈ જવાની ઘટના સામે આવી હતી. સતત બની રહેલી આવી ઘટનાઓને કારણે શહેરની માર્ગ વ્યવસ્થા અને પ્રિ-મોન્સુન કામગીરી અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.
પ્રથમ વરસાદ બાદ સુરતના અનેક મુખ્ય અને આંતરિક માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ અચાનક ધસી પડ્યા હતા, જ્યારે અનેક સ્થળોએ રોડની સપાટી ધોવાઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોએ મનપા સામે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસા પહેલાં કરોડો રૂપિયાની પ્રિ-મોન્સુન કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ પ્રથમ વરસાદમાં જ શહેરની સ્થિતિ ખરાબ થઈ જાય છે.
ઘટના બાદ મનપાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને માર્ગના સમારકામ તેમજ ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, સ્થાનિકો હવે શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવા અકસ્માતો ન સર્જાય તે માટે કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.











