અમેરિકન સાંસદ ઇલ્હાન ઉમરનું ફરી ભારત વિરોધી ઝેર: લઘુમતીઓના નરસંહારના પાયાવિહોણા આરોપો પર ભારતે આપ્યો જડબાતોડ જવાબ

અમેરિકન સાંસદ ઇલ્હાન ઉમરે (Ilhan Omar) ફરી એકવાર ભારત વિરુદ્ધ પાયાવિહોણું અને વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદ છેડ્યો છે. ‘ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ’ (IAMC) ના એક કાર્યક્રમમાં બોલતા તેમણે કોઈપણ સત્તાવાર આંકડા કે પુરાવા વિના દાવો કર્યો છે કે, ભારતમાં લઘુમતીઓનો નરસંહાર થઈ રહ્યો છે. જોકે, ભારતે આ આંતરરાષ્ટ્રીય મંચ પરથી કરાયેલા ગંભીર અને ભ્રામક આરોપો પર આકરા પ્રહારો કરી જડબાતોડ જવાબ આપ્યો છે.

IAMC ના મંચ પરથી પીએમ મોદી અને ભારત પર નિશાન

મીડિયા અહેવાલો અનુસાર, ગત 7 જૂનના રોજ અમેરિકામાં મુસ્લિમ સમુદાયના મુદ્દાઓ પર ‘ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ’ (IAMC) દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ કાર્યક્રમમાં અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ ઇલ્હાન ઉમરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લેતા જણાવ્યું કે,

“ભારતમાંથી જે પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા છે તે જોતાં દેશ નરસંહારના ‘આઠમા તબક્કા’માં પહોંચી ગયો છે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, વૈશ્વિક સ્તરે આ બાબતે એલર્ટ રહેવું જરૂરી છે, કારણ કે આ સ્થિતિ માત્ર મોદી પ્રશાસન પૂરતી મર્યાદિત નથી. પરંતુ હવે તે વ્યવસ્થિત રીતે ત્યાંના સામાજિક માળખાનો એક ભાગ બની રહી છે.

ભાષણમાં ‘જીનોસાઇડ વોચ’ની થિયરીનો આશરો લીધો

પોતાના નિવેદનને સાચું ઠેરવવા માટે ઇલ્હાન ઉમરે ‘જીનોસાઇડ વોચ’ નામની સંસ્થાના સ્થાપક ગ્રેગરી એચ. સ્ટેન્ટનની એક થિયરીનો ઉલ્લેખ કર્યો હતો.

  • શું છે આ થિયરી? આ થિયરી મુજબ કોઈપણ દેશમાં નરસંહારના કુલ 10 તબક્કા હોય છે.

  • આઠમો તબક્કો: ઇલ્હાનના દાવા મુજબ આઠમો તબક્કો ‘ઉત્પીડન’ (Persecution) નો છે. આ તબક્કામાં કોઈ ચોક્કસ લઘુમતી જૂથને મોટા પાયે નિશાન બનાવી, તેમના મૂળભૂત અધિકારો છીનવી લેવામાં આવે છે અને તેમને પાયાની સુવિધાઓથી વંચિત રાખવાના પ્રયાસો કરવામાં આવે છે.

ભારતે આંકડા સાથે આપ્યો સણસણતો જવાબ

મૂળ સોમાલિયાના વતની અને બાદમાં અમેરિકી નાગરિક બનેલા ઇલ્હાન ઉમર અગાઉ પણ પાકિસ્તાન તરફી વલણ રાખવા તેમજ કાશ્મીર મુદ્દે ભારત વિરોધી પ્રોપેગન્ડા ચલાવવા માટે જાણીતા છે. ભારત સરકારે આ વખતે પણ તેમના પાયાવિહોણા દાવાઓ ફગાવી દીધા છે.

તાજેતરમાં જ વિદેશ મંત્રાલયના સચિવ સિબી જોર્જે આંતરરાષ્ટ્રીય મંચ પરથી જડબાતોડ જવાબ આપતા વાસ્તવિક આંકડા રજૂ કર્યા હતા:

“આઝાદી સમયે ભારતમાં લઘુમતીઓની વસ્તી અંદાજે 11% હતી. જે આજે વધીને 20% થી વધુ થઈ ગઈ છે. સમગ્ર વિશ્વમાં ભારત સિવાય એવો કોઈ દેશ નથી. જ્યાં લઘુમતીઓની વસ્તીમાં આ પ્રકારે સુરક્ષિત અને સાતત્યપૂર્ણ વધારો થયો હોય.”

ભારત વિરોધી એજન્ડા ચલાવતી સંસ્થા: IAMC

જે સંસ્થાના કાર્યક્રમમાં ઇલ્હાન ઉમરે આ નિવેદન આપ્યું છે.તે ‘ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ’ (IAMC) અમેરિકામાં નોંધાયેલી એક બિન-લાભકારી (Non-profit) સંસ્થા છે. આ સંગઠન લાંબા સમયથી વોશિંગ્ટનમાં ભારત વિરોધી લોબિંગ કરવા માટે કુખ્યાત છે.

આ સંસ્થા સતત અમેરિકી સરકાર પાસે માંગ કરી રહી છે કે ભારતને ‘વિશેષ ચિંતાનો દેશ’ (Country of Particular Concern – CPC) જાહેર કરવામાં આવે. આ ઉપરાંત, તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તેમજ ભારતના ટોચના નેતાઓ પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો મૂકવા માટે પણ પેરવી કરતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE