‘છેલ્લા 12 વર્ષમાં નિકાસ 35 ગણી વધી અને ભારત બન્યું બીજું સૌથી મોટું મોબાઈલ ઉત્પાદક’, PM મોદીએ પેરિસમાં ગણાવી સરકારની સિદ્ધિઓ

ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરતી વખતે PM મોદીએ ભારતમાં પોતાની 12 વર્ષની સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. PM મોદીએ કહ્યું કે, “આજથી 50 કે 100 વર્ષ પછી જ્યારે આ સમયગાળાની સમીક્ષા થશે. ત્યારે એ વાત સામે આવશે કે આ કાળખંડને ભારતની આકાંક્ષાઓએ ડ્રાઈવ (સંચાલિત) કર્યો છે. આજનું ભારત ભવિષ્યની આખી ઈકોસિસ્ટમ બનાવી રહ્યું છે. ભારત એકસાથે એ દરેક ક્ષેત્રમાં રોકાણ કરી રહ્યું છે. જે આવનારા દાયકાઓની દિશા નક્કી કરશે.”

ભારતના લોકો પોતાના જીવનને ‘નેક્સ્ટ લેવલ’ પર લઈ જવા માંગે છે

PM મોદીએ જણાવ્યું કે આ ભારતની આકાંક્ષાઓનો નવો યુગ છે. જ્યાં વીજળી પહોંચી છે ત્યાં લોકો માત્ર વીજળી નથી માંગતા, પણ સ્માર્ટ લિવિંગ ઈચ્છે છે. જ્યાં રેલવે પહોંચી છે. ત્યાં લોકો હાઈ-સ્પીડ કનેક્ટિવિટી ઈચ્છે છે. જ્યાં હાઈવે પહોંચ્યા છે ત્યાં લોકો વર્લ્ડ ક્લાસ એક્સપ્રેસવે ઈચ્છે છે. જ્યાં ઈન્ટરનેટ પહોંચ્યું છે ત્યાં લોકો AI અને ડિજિટલ ઈનોવેશનમાં નેતૃત્વ ઈચ્છે છે. આજે ભારતના લોકો પોતાના જીવનને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માંગે છે અને ભારતને પણ નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો તેમનો સંકલ્પ છે.

લોકશાહીની તાકાતે એક ચાવાળાને અહીં સુધી પહોંચાડ્યો

વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું, “આજે હું એવા સમયે ફ્રાન્સ આવ્યો છું, જ્યારે થોડા દિવસો પહેલા જ અમારી સરકારના 12 વર્ષ પૂર્ણ થયા છે. ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત 12 વર્ષ સુધી દેશની સેવા કરવી એ મારા જીવનનું બહુ મોટું સૌભાગ્ય રહ્યું છે. આ ભારતીય લોકશાહીની શક્તિ છે. જેણે એક ચાવાળાને અહીં સુધી પહોંચાડી દીધો.”

છેલ્લા 12 વર્ષમાં ભારતની નિકાસ 35 ગણી વધી

PM મોદીએ માહિતી આપી કે છેલ્લા 12 વર્ષમાં ભારતની નિકાસ (એક્સપોર્ટ) 35 ગણી વધી ગઈ છે. દેશમાં મોબાઈલ બનાવતી યુનિટ્સમાં 100 ગણો જબરદસ્ત વધારો થયો છે. જેના કારણે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ બની ગયો છે. આ ઝડપી પ્રગતિ અને વિકાસના કારણે ભારત હવે સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર બની ગયું છે.

ગરીબીમાંથી બહાર આવ્યા 25 કરોડ લોકો

વડાપ્રધાન મોદીએ આગળ ઉમેર્યું કે, “આજે ભારતની વાર્તા માત્ર આર્થિક પ્રગતિ (Economic Progress)ની વાર્તા નથી, પણ આ સામાજિક પરિવર્તન (Social Transformation)ની પણ વાર્તા છે. છેલ્લા 12 વર્ષમાં દેશમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.”

આ ભારતની આકાંક્ષાઓને નવી ઊંચાઈ આપવાનો સમય છે

PM મોદીએ કહ્યું કે આ 12 વર્ષની સિદ્ધિઓમાં એક સિદ્ધિ એવી પણ છે જેને કોઈ આંકડાથી માપી શકાતી નથી, અને તે છે 140 કરોડ ભારતીયોનો આત્મવિશ્વાસ. આજનું ભારત અને આજનો ભારતનો યુવા ખૂબ મોટા સપના જોઈ રહ્યો છે. ભારતનો ખેડૂત નવી સંભાવનાઓ સાથે આગળ વધી રહ્યો છે. ભારતની મહિલાઓ નવા નેતૃત્વનો પરિચય આપી રહી છે. તેથી આ માત્ર સિદ્ધિઓના 12 વર્ષ નથી. પરંતુ ભારતની આકાંક્ષાઓને નવી ઊંચાઈ આપવાનો કાળખંડ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE