દાહોદ જિલ્લામાં ચોરીમાં ગયેલા તેમજ ખોવાયેલા મોબાઈલ ફોન ટેકનિકલ સોર્સના માધ્યમથી શોધી કાઢી મૂળ માલિકોને પરત સોંપવા અંગે ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલી કડક સૂચનાઓના અનુસંધાને સુખસર પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસની મદદથી અંદાજે રૂ. ૧,૫૮,૯૯૭ની કિંમતના કુલ ૪ મોબાઈલ ફોન શોધી કાઢી તેના અસલી માલિકોને સુપરત કર્યા છે.
પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધી ચૌધરી તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજાની સૂચના અને ઝાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.આર. પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સુખસર પોલીસ સ્ટેશનની ટેકનિકલ ટીમ આ દિશામાં સતત કાર્યરત હતી.
આ સમગ્ર કામગીરી અંતર્ગત સુખસર પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એમ.એમ. રાઠોડના નેતૃત્વમાં ટેકનિકલ ટીમે ભારત સરકારના “CEIR” (Central Equipment Identity Register) પોર્ટલનો ઉપયોગ કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ ટીમે આધુનિક ટેકનિકલ એનાલિસિસના માધ્યમથી સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા અથવા ચોરીમાં ગયેલા ૪ કિંમતી મોબાઈલ ફોન ટ્રેસ કરવામાં મોટી સફળતા મેળવી હતી.
આજે પોલીસ સ્ટેશન ખાતે ખાસ યોજાયેલા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સુખસર પોલીસ દ્વારા આ તમામ મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને રૂબરૂ બોલાવી સન્માનપૂર્વક પરત સોંપવામાં આવ્યા હતા. પોતાના ખોવાયેલા ફોન પરત મળતા જ માલિકોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ હતી અને તેઓએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસની આ ઉત્કૃષ્ટ સેવાકીય ભાવનાને પગલે સ્થાનિક પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે અને “પોલીસ પ્રજાની મિત્ર છે” તે સૂત્રને સુખસર પોલીસે સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે.
આ સફળ કામગીરીમાં સુખસર પી.આઈ. શ્રી એમ.એમ. રાઠોડ, પો.સ.ઈ. શ્રી એમ.કે. દામા, આઈ.ટી. એક્સપર્ટ ડેઈઝીબેન સંગાડા, એ.એસ.આઈ. વિષ્ણુભાઈ ગોરજીભાઈ, હેડ કોન્સ્ટેબલ પિન્ટુભાઈ સુભાષભાઈ તથા એલ.આર.ડી. અક્ષયભાઈ ચુનીલાલની આખી ટીમે રાત-દિવસ મહેનત કરી મહત્વની ભૂમિકા ભજવી હતી.
રિપોર્ટર :યાસીર ઝૂડાલા, દાહોદ
Post Views: 21










