માણાવદરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી એન્ટ્રી; અસહ્ય ઉકળાટ વચ્ચે અમી છાંટણાથી વાતાવરણમાં પ્રસરી ઠંડક

માણાવદરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ, આજે વહેલી સવારે આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. અને મેઘરાજાના આગમન સાથે વહેલી સવાર ખુશનુમા બની ગઈ હતી.

વહેલી સવારે અંધારપટ છવાઈ ગયા બાદ જોરદાર વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદના અમી છાંટણા શરૂ થયા હતા. ભલે આ ચોમાસાનો વિધિવત વરસાદ ન હોય, પરંતુ વાવાઝોડા જેવા માહોલ અને ગાજવીજ સાથે શરૂ થયેલા આ વરસાદી છાંટાને કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને નીચાણવાળા રોડ ઉપર પાણી વહેતા જોવા મળ્યા હતા.

મે મહિનાના અંતિમ દિવસોમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી માણાવદરના નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તેવામાં વહેલી સવારે ઠંડા પવનના સુસવાટા અને વરસાદી ઝાપટાં પડતાં જ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ અણધાર્યા વરસાદના કારણે લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.

તસવીર અહેવાલ: જીજ્ઞેશ પટેલ, માણાવદર

Leave a Comment

READ MORE

READ MORE