સુરત નાસિરનગર ડિમોલિશન કાંડ: હાઈકોર્ટમાં આજે મહત્વની સુનાવણી, વિવાદો વચ્ચે મનપા રજૂ કરશે પોતાનો જવાબ

સુરતના નાસિરનગર વિસ્તારમાં કાયદાના લીરેલીરા ઉડાવતા કથિત નકલી ડિમોલિશનનો મામલો હવે ગરમાયો છે. આ વિવાદાસ્પદ કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટમાં એક મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવશે. હાઇકોર્ટના કડક વલણ બાદ આજે સુરત મહાનગરપાલિકા (SMC) પોતાનો સત્તાવાર જવાબ રજૂ કરનાર છે, જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.

કોઈ પણ નોટિસ વિના ૧૦૦થી વધુ પરિવારોને કરી દેવાયા બેઘર

આ સમગ્ર વિવાદ પાછળનો સૌથી ગંભીર આક્ષેપ એ છે કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વિના જ ૧૦૦થી વધુ કાચા-પાકા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ આડેધડ કાર્યવાહીના કારણે અનેક ગરીબ પરિવારો રાતોરાત રસ્તા પર આવી ગયા છે. ચોંકાવનારી વિગત એ છે કે ડિમોલિશનના આટલા દિવસો બાદ પણ વહીવટી તંત્ર દ્વારા પીડિતો માટે રહેવાની કે ખાવા-પીવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના લીધે નિર્દોષ બાળકો અને મહિલાઓ ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે.

પોલીસ અને મનપાના ઉચ્ચ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા

આ સમગ્ર ઘટનાક્રમમાં સુરત મનપા અને સ્થાનિક પોલીસની ભૂમિકા શરૂઆતથી જ શંકાના દાયરામાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો પુરાવાઓમાં સ્પષ્ટ દેખાય છે કે ડિમોલિશન સ્થળ પર ડીસીપી નકુમ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. સામાન્ય રીતે આવા ડિમોલિશનમાં સ્થાનિક પોલીસની જ જરૂર હોય છે, છતાં ત્યાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના અધિકારીઓની હાજરી કેમ હતી? તે એક મોટો સવાલ છે. વિવાદ વધતા તંત્રએ ભીનું સંકેલવા ૬ સભ્યોની તપાસ સમિતિ તો બનાવી દીધી, પરંતુ હજી સુધી કોઈ કડક પગલાં લેવાયા નથી. ઉલટાનું, કેટલાક જવાબદાર અધિકારીઓ રજા પર ઉતરી ગયા હોવાની ચર્ચા છે.

ગુનાહિત કાવતરું કે નકલી ડિમોલિશન? પોલીસના હવાતિયાં

આ મામલે પોલીસ પોતાની ચામડી બચાવવા માટે સતત હવાતિયાં મારી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. પોલીસે આ કેસમાં ૭ આરોપીઓની યાદી જાહેર કરીને તેમને ‘હિસ્ટ્રીશીટર’ ગણાવ્યા છે. હવે સવાલ એ ઉઠે છે કે માત્ર જાહેરનામા ભંગના ૭ આરોપીઓને પકડવા માટે ૧૦૦થી વધુ મકાનો તોડી પાડવાનો કયો કાયદો છે? જો આ લોકો ખરેખર રીઢા ગુનેગાર હતા, તો અત્યાર સુધી તેમની ધરપકડ કેમ નહોતી કરાઈ? રોડ વિભાગના અધિકારીઓએ ટીપી વિભાગના કાર્યક્ષેત્રમાં ઘૂસીને આટલી ઉતાવળે ડિમોલિશન કેમ કર્યું તે પણ રહસ્ય આઇના જેવું સાફ કરે છે. પ્રોજેક્ટની પ્લોટ વેલિડેશન ફાઈલ મંજૂર ન હોવા છતાં આડેધડ તોડફોડ કરવા પાછળ મોટી લેણદેણની શંકા સેવાઈ રહી છે.

બિલ્ડરોની એન્ટ્રી અને રાજકીય ટ્વિસ્ટ

આ કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે મૂળ જમીન માલિક અને પારસી મહિલા ગુલ રામજી પાલિયાના નિવાસસ્થાને મોટા બિલ્ડરોના ધામા જોવા મળ્યા. આ સ્થળે ધારાસભ્ય (MLA) ની નેમપ્લેટ વાળી લક્ઝુરિયસ કારમાં બિલ્ડરો પહોંચ્યા હોવાના અહેવાલોથી આખું પ્રકરણ રાજકીય અને બિલ્ડર લોબીની સાંઠગાંઠ તરફ ઈશારો કરે છે. પારસી મહિલાનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં દાવો કરાયો છે કે આ જમીન તેમણે મનપાને શાળા બનાવવા માટે દાનમાં આપી હતી.

વિપક્ષ મેદાને: અસરગ્રસ્તોને ન્યાય ક્યારે?

ઘટનાની ગંભીરતાને જોતા હવે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ અને ધારાસભ્યો પણ મેદાને ઉતર્યા છે. વિપક્ષી નેતાઓ આજે પીડિત પરિવારોની મુલાકાત લઈને તંત્ર સામે મોરચો માંડશે, જેના કારણે આ મુદ્દો વધુ રાજકીય સ્વરૂપ પકડી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ગરીબોના આશિયાના છીનવી લેનારા ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂત જેવા મધ્યસ્થીઓ સામે હાઈકોર્ટ કેવા આકરા પગલાં ભરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE