પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) લગભગ અઢી મહિનાથી અસરકારક રીતે બંધ હતી. આ લાંબા ગાળા બાદ પર્શિયન ગલ્ફ (અખાતી દેશો)માંથી ભારત આવી રહેલું પ્રથમ એલએનજી (LNG) કાર્ગો મંગળવારે ગુજરાતના દહેજ ખાતે આવી પહોંચ્યું. શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર, આ લિક્વિડ નેચરલ ગેસ (LNG) ટેન્કરે વીકએન્ડ દરમિયાન હોર્મુઝની સામુદ્રધુની પાર કરી હતી.
લાઈબેરિયાનો ધ્વજ ધરાવતું ‘અલ હમરા’ (Al Hamra) નામનું આ ટેન્કર અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC)ના દાસ આઈલેન્ડ નિકાસ કેન્દ્રમાંથી આશરે 62,000 ટન LNG લઈને આવ્યું છે. તે ભારતના સૌથી મોટા એલએનજી ઈમ્પોર્ટ ટર્મિનલ ‘પેટ્રોનેટ એલએનજી’ના દહેજ ટર્મિનલ પર પોતાનો માલ ખાલી કરશે. શિપ ટ્રેકિંગ અને મેરિટાઇમ ઇન્ટેલિજન્સ ફર્મ ‘મરીનટ્રાફિક’ના ડેટા અને વિઝ્યુઅલ્સ અનુસાર, મંગળવારે બપોરે 2 વાગ્યા સુધીમાં આ ટેન્કર દહેજ ટર્મિનલની એક જેટી પર ગોઠવાઈ ગયું હતું.
વેપાર ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્ગો સરકારી માલિકીની ગેસ કંપની ‘ગેલ’ (GAIL)નો છે. વૈશ્વિક શિપિંગ ડેટાબેઝ મુજબ, આ ટેન્કરની માલિકી અને સંચાલન ADNOCની જ એક શાખા ‘ADNOC લોજિસ્ટિક્સ એન્ડ સર્વિસીસ’ દ્વારા કરવામાં આવે છે. જો કે આ કાર્ગો ભારતની માત્ર એક દિવસની LNG આયાત બરાબર જ છે, તેમ છતાં ‘અલ હમરા’ના આગમનથી પર્શિયન ગલ્ફમાંથી ભારતને વધુ LNG સપ્લાય મળવાની આશા જાગી છે.
પકડાઈ ન જવા માટે ટેન્કરે ‘ગોઈંગ ડાર્ક’ પદ્ધતિ અપનાવી
વેપારી સૂત્રોએ સંકેત આપ્યો છે કે ‘અલ હમરા’ ટેન્કરે તેનું લોકેશન છુપાવવા માટે ઘણા દિવસો સુધી તેનું ટ્રાન્સપોન્ડર બંધ રાખ્યું હતું. શિપિંગની ભાષામાં આ પ્રક્રિયાને “ગોઈંગ ડાર્ક” (Going Dark) કહેવામાં આવે છે, જેનો ઉપયોગ જહાજો પકડાવા કે ટ્રેક થવાથી બચવા માટે કરે છે. માર્ચની શરૂઆતથી અત્યાર સુધીમાં જે પણ જહાજોએ હોર્મુઝની સામુદ્રધુની સફળતાપૂર્વક પાર કરી છે, તેમાંથી મોટાભાગના જહાજોએ અલગ-અલગ સમયગાળા માટે પોતાના ટ્રાન્સપોન્ડર બંધ રાખ્યા હતા. આ સંકટગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થતી વખતે માત્ર થોડા જ જહાજો પોતાનું લોકેશન ચાલુ રાખતા હતા.
કોમોડિટી માર્કેટ એનાલિટિક્સ ફર્મ ‘કેપ્લર’ (Kpler)ના જણાવ્યા અનુસાર, ભારે ભૌગોલિક-રાજકીય (Geopolitical) જોખમ હોવા છતાં વીકએન્ડમાં આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પાર કરનારા ત્રણ એલએનજી ટેન્કરોમાં ‘અલ હમરા’ પણ સામેલ હતું. અન્ય બે ટેન્કરો—’ફુવૈરિત’ (Fuwairit) અને ‘અલ રયાન’ (Al Rayyan)—કતારએનર્જીનો કાર્ગો લઈને અનુક્રમે પાકિસ્તાન અને ચીન તરફ જઈ રહ્યા હતા.
અઢી મહિનામાં ભારત પહોંચનારું પ્રથમ LNG જહાજ
અમેરિકા-ઈઝરાયેલના ઈરાન પરના હુમલાથી શરૂ થયેલા પશ્ચિમ એશિયાના આશરે ત્રણ મહિનાના સંઘર્ષમાં, LNGથી ભરેલા માત્ર સાત જહાજો જ હોર્મુઝની સામુદ્રધુનીના જોખમી પાણીમાંથી પસાર થયા હોવાનો અંદાજ છે. માર્ચની શરૂઆતથી પર્શિયન ગલ્ફમાંથી આશરે દોઢ ડઝન જેટલા લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (LPG) અને ઓઈલ ટેન્કરો ભારત આવ્યા છે. પરંતુ ‘અલ હમરા’ ત્યાંથી આવનારું પ્રથમ એલએનજી (LNG) ટેન્કર છે. નવી દિલ્હી (ભારત સરકાર) સતત તેહરાન (ઈરાન) સાથે સંપર્કમાં છે જેથી ભારત આવતા જહાજો, ખાસ કરીને ઉર્જા કાર્ગોને સુરક્ષિત માર્ગ મળી શકે.
ઈરાન અને ઓમાન વચ્ચે આવેલી હોર્મુઝની સામુદ્રધુની પર્શિયન ગલ્ફને ઓમાનની ખાડી અને અરબી સમુદ્ર સાથે જોડે છે. પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે આ માર્ગ પર જહાજોની અવરજવર લગભગ થંભી ગઈ છે. આ સ્ટ્રેટ વૈશ્વિક ઉર્જા પ્રવાહ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગ છે, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલ અને LNGના કુલ પરિવહનનો પાંચમો ભાગ (20%) આ જ માર્ગેથી પસાર થાય છે.
વૈશ્વિક સંકટ વચ્ચે વૈકલ્પિક વ્યવસ્થા
ભારત તેની કુદરતી ગેસની જરૂરિયાતના અડધા ભાગ માટે LNG આયાત પર નિર્ભર છે, અને તે આયાતનો લગભગ 60% હિસ્સો આ સામુદ્રધુની મારફતે મુખ્યત્વે કતાર અને યુએઈ (UAE) તરફથી આવતો હતો. આ બંને દેશો વૈશ્વિક સ્તરે પણ મોટા LNG નિકાસકારો છે. પર્શિયન ગલ્ફમાંથી ભારત તરફ ભાગ્યે જ કોઈ LNG કાર્ગો આવી રહ્યો હોવાથી, વૈશ્વિક સ્તરે કિંમતો વધવા છતાં ભારતીય આયાતકારો અન્ય વૈકલ્પિક દેશોમાંથી LNG મેળવવા માટે ફાંફા મારી રહ્યા હતા.
જો કે, માર્ચમાં આયાત ઘટ્યા બાદ એપ્રિલ મહિનામાં ભારતની LNG આયાતમાં થોડો સુધારો જોવા મળ્યો હતો, કારણ કે આયાતકારોએ તાત્કાલિક ધોરણે એવા સપ્લાયર્સનો સંપર્ક કર્યો હતો જેમને હોર્મુઝની સામુદ્રધુની પર નિર્ભર ન રહેવું પડે. પરિણામે, માર્ચ મહિનામાં ભારતના સૌથી મોટા સપ્લાયર કતાર અને યુએઈ (UAE) તરફથી એક પણ એલએનજી કાર્ગો ભારતીય કિનારે પહોંચ્યો ન હતો. ત્યારે ઓમાન, નાઇજીરીયા, અંગોલા અને યુનાઇટેડ સ્ટેટ્સ (US) જેવા દેશોએ આગળ આવીને સપ્લાયની આ તંગીને આંશિક રીતે પુરી કરી હતી.
‘કેપ્લર’ના ડેટા અનુસાર, માર્ચ મહિનામાં 1.67 મિલિયન ટનની સરખામણીએ એપ્રિલમાં LNG આયાત વધીને 1.95 મિલિયન ટન થઈ હતી. વર્ષ 2025માં દેશની સરેરાશ માસિક LNG આયાત 2.08 મિલિયન ટન હતી. વાર્ષિક ધોરણે જોવામાં આવે તો, ગયા વર્ષના સમાન ગાળાના 2.15 મિલિયન ટનની સરખામણીએ એપ્રિલમાં LNG આયાત 9.3% ઓછી હતી.જે દર્શાવે છે કે સપ્લાયનો આ આંચકો હજુ સંપૂર્ણપણે સરભર થઈ શક્યો નથી અને બજારમાં સ્થિતિ હજુ પણ તંગ છે.
વર્ષ 2025માં, કતારમાંથી સરેરાશ માસિક LNG આયાત 0.95 મિલિયન ટન હતી. ત્યારબાદ UAEમાંથી 0.27 મિલિયન ટન આયાત થતી હતી. માર્ચ-એપ્રિલ દરમિયાન હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાને કારણે આ બે મહિનામાં કતારમાંથી માત્ર 0.06 મિલિયન ટન અને UAEમાંથી 0.13 મિલિયન ટન ગેસ જ આવી શક્યો હતો. આ એવા કાર્ગો હતા જે પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફાટી નીકળ્યા તે પહેલા જ સામુદ્રધુની પાર કરી ચૂક્યા હતા.
Post Views: 30











