ઉત્તર કન્નડમાં મોટી હોનારત: નદીમાં છીપલાં વીણવા ગયેલા એક જ પરિવારના 7 મહિલા સહિત 8 લોકોના ડૂબી જવાથી મોત; 2 હજુ પણ ગુમ

ઉત્તર કન્નડ જિલ્લાની થટ્ટે હક્કલુ નદીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. નદીના તેજ પ્રવાહને કારણે છીપલાં (સીપિયાં) એકઠા કરવાનો પ્રયાસ કરી રહેલા એક જ પરિવારના 8 સભ્યો ડૂબી ગયા છે. આ મૃતકોમાં 7 મહિલાઓ સામેલ છે. જ્યારે અન્ય બે લોકો હજુ પણ ગુમ છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકો મહિલાઓને બચાવવા માટે તાત્કાલિક પાણીમાં કૂદી પડ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શિરાલી ગામના અંદાજે 14 લોકો નદીમાં છીપલાં વીણવા માટે ઉતર્યા હતા. નદી કિનારે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા સ્થાનિક સમુદાયોની આ એક પરંપરાગત પ્રવૃત્તિ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘આ દરમિયાન તેઓ પાણીના સ્તરનો સાચો અંદાજ લગાવ્યા વિના નદીના ઊંડા ભાગમાં જતા રહ્યા હતા. અચાનક પાણીના તેજ પ્રવાહમાં ફસાઈ જવાથી એક કે બે લોકો તણાવવા લાગ્યા હતા.’

ત્યારબાદ પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસમાં અન્ય કેટલાક લોકો પણ નદીમાં કૂદ્યા હતા. આ દરમિયાન તેજ પ્રવાહના કારણે વધુ લોકો તેમાં ફસાઈ ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, 8 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા.જ્યારે બે લોકો હજુ પણ ગુમ છે. બચાવકર્મીઓ, પોલીસ ટીમ અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા સર્ચ ઓપરેશન (શોધખોળ) ચાલુ રાખવામાં આવ્યું છે.

મૃતકોની ઓળખ ભટકલ તાલુકાના શિરાલીના રહેવાસીઓ તરીકે થઈ છે. સૂત્રોએ જણાવ્યું કે, આ વિસ્તારમાં પડેલા વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. જેના લીધે છીપલાં એકઠા કરવા માટે નદીના ઊંડા પાણીમાં ગયેલા લોકો તણાઈ ગયા હતા અને આ દુર્ઘટના ઘટી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE