છોટાઉદેપુરમાં ચૂંટણી પહેલાં મોટો હોબાળો, AAPના સભ્યોનું અપહરણ થયાના આક્ષેપ સાથે ભારે અફરાતફરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ હવે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈને રાજકારણ ગરમાયું છે 

છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાય તે પહેલાં જ ભારે હંગામો અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

આમ આદમી પાર્ટી (AAP) એ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ તેમના જીતેલા સભ્યોને બુકાનીધારીઓ દ્વારા ઉઠાવી જવામાં આવ્યા છે.

ભાજપ અને AAP વચ્ચે ટાઈ બાદ ખેલ શરૂ?

​છોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) બંનેના ૧૩-૧૩ ઉમેદવારો જીત્યા હોવાથી અહીં ટાઈની સ્થિતિ સર્જાઈ હતી.

પરંતુ પ્રમુખની વરણીના અતિ મહત્વના દિવસે જ આપના ત્રણ ઉમેદવારોને મોઢા પર રૂમાલ બાંધેલા અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.

આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

​કેમ્પસ બહાર ભારે હોબાળો અને પોલીસ સામે સૂત્રોચ્ચાર

​ઘટનાની જાણ થતાં જ આમ આદમી પાર્ટીના બાકીના ૧૦ ઉમેદવારોએ કેમ્પસ છોડી દીધું હતું અને ગેટની બહાર આવી ગયા હતા . આપના સમર્થકો અને પરિવારજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને પોલીસ તેમજ ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા . આપના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે પોલીસની મિલીભગતથી ભાજપના માણસોએ તેમના ઉમેદવારોને ઘસડીને, માર મારીને ઉઠાવી લીધા છે અને લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે.

રીપોર્ટર: અંજુમ ખત્રી,છોટાઉદેપુર

Leave a Comment

READ MORE

READ MORE