વન નેશન વન ઇલેક્શન: હાઈપાવર જેપીસી કમિટી ગુજરાતના પ્રવાસે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ

દેશભરમાં ‘વન નેશન વન ઇલેક્શન’ (એક દેશ, એક ચૂંટણી)ના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) હાલ ગુજરાતની મુલાકાતે છે. આ અંતર્ગત પાટનગર ગાંધીનગર ખાતે વહીવટી અને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જગાવતી એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં દેશની ચૂંટણી પ્રક્રિયામાં ધરમૂળથી ફેરફારો લાવવા માટે આ બેઠક અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે.

પ્રથમ દિવસે ઉચ્ચ અધિકારીઓ સાથે મેરેથોન બેઠક અને પ્રેઝન્ટેશન આ કવાયતના પ્રથમ ચરણમાં જેપીસી સમક્ષ પ્રસ્તાવિત ચૂંટણી સુધારાઓ અંગેનું એક વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ મેરેથોન બેઠકમાં ગુજરાતના મુખ્ય સચિવ (Chief Secretary), રાજ્યના પોલીસ વડા (DGP) અને મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિધાનસભા અને સામાન્ય વહીવટ વિભાગ (GAD)ના વરિષ્ઠ અધિકારીઓ પણ આ ચર્ચામાં જોડાયા હતા. બેઠક દરમિયાન ચૂંટણીલક્ષી કામગીરી સાથે સીધા સંકળાયેલા વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓના પ્રેક્ટિકલ મંતવ્યો મેળવવામાં આવ્યા હતા. તેમજ ભવિષ્યની નવી વ્યવસ્થાઓ અંગે રોડમેપ તૈયાર કરવા વિસ્તૃત પરામર્શ કરાયો હતો.

આવતીકાલે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે મહામંથન જેપીસીની આ ગુજરાત મુલાકાતને રાજકીય વિશ્લેષકો ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી રહ્યા છે. પ્રથમ દિવસની વહીવટી સમીક્ષા બાદ, આવતીકાલે આ પ્રક્રિયાનો સૌથી મહત્વનો તબક્કો શરૂ થશે. આવતીકાલે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે સમિતિની એક ખાસ બેઠક યોજાશે. જેમાં ‘વન નેશન વન ઇલેક્શન’ના અમલીકરણમાં આવનારા સંભવિત પડકારો અને ગુજરાતના તંત્રની સજ્જતા અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ સાથે જ, સંસદીય બાબતોના મંત્રી અને સમિતિના સભ્યો વચ્ચે સુમેળભર્યા સંકલન માટે પણ એક વિશેષ બેઠકનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે.

ગુજરાતના વહીવટી તંત્ર માટે મોટી કવાયત સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણીઓ યોજવી એ માત્ર રાજકીય નિર્ણય નથી. પરંતુ વહીવટી દૃષ્ટિએ એક અભૂતપૂર્વ પડકાર છે. લોજિસ્ટિક્સનું આયોજન, સુરક્ષા વ્યવસ્થા અને કર્મચારીઓનું સંચાલન જેવી અતિ જટિલ બાબતોને ધ્યાને લેતા આ બેઠક ગુજરાતના વહીવટી તંત્ર માટે એક મોટી આંતરિક કવાયત અને પૂર્વતૈયારી સમાન સાબિત થશે.

Leave a Comment

READ MORE

READ MORE