પાલનપુર સિવિલના તબીબોની સિદ્ધિ: યુવકના જડબાની જટિલ ગાંઠનું સફળ ઓપરેશન, એક વર્ષની પીડાનો આવ્યો અંત

પાલનપુર સ્થિત બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગે એક પડકારજનક કિસ્સામાં સફળતા મેળવી છે. લાખણી તાલુકાના ભીમગઢ ગામના 25 વર્ષીય યુવકની જડબાની અત્યંત જટિલ સર્જરી કરીને તબીબોએ તેને અસહ્ય પીડામાંથી મુક્તિ અપાવી છે.

ખાનગી સારવાર નિષ્ફળ ગયા બાદ સિવિલમાં આશાનું કિરણ

જગદીશભાઈ ચૌધરી નામના યુવક છેલ્લા એક વર્ષથી જડબામાં પાણી ભરાયેલી ગાંઠને કારણે હેરાન હતા. ખોરાક ચાવવામાં તકલીફ અને પેઢામાં રસી થવાને કારણે તેમણે અનેક ખાનગી હોસ્પિટલોના ચક્કર કાપ્યા હતા. લાખોના ખર્ચ અને અનેક ઈન્જેક્શનો છતાં કોઈ પરિણામ ન મળતા, અંતે તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

તબીબી નિષ્ણાતો દ્વારા જટિલ શસ્ત્રક્રિયા

સિવિલના ડેન્ટલ વિભાગમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગાંઠ જડબાના હાડકા સુધી પ્રસરી ગઈ હતી અને તેમાં ચેપ (Infection) વધી રહ્યો હતો. સિવિલ સુપરિટેન્ડન્ટ ડૉ. સુનિલભાઈ જોશીની દેખરેખ હેઠળ ડૉ. સ્વાતિ, ડૉ. રાજવી ઉપાધ્યાય, ડૉ. ટિંવકલ અને ડૉ. નેહલની ટીમે એક કલાક સુધી સતર્કતાપૂર્વક ઓપરેશન કરી ગાંઠને મૂળમાંથી દૂર કરી હતી.

દર્દીની હાલત સ્થિર, પરિવાર દ્વારા આભાર

સમયસરની સર્જરીને કારણે ગાંઠ વધુ વિકરાળ બને તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લેવાયો હતો. ઓપરેશન બાદ દર્દીની સ્થિતિમાં મોટો સુધારો જોવા મળ્યો છે. એક વર્ષથી પીડાતા પુત્રને સ્વસ્થ જોઈ પરિવારજનોએ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની કાર્યક્ષમતાના વઘાણ કર્યા હતા.


બનાસ સિવિલ: આધુનિક સારવારનું કેન્દ્ર

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પી.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ હોસ્પિટલ આજે ઉત્તર ગુજરાતમાં ‘હેલ્થ હબ’ તરીકે ઉભરી રહી છે.

  • અદ્યતન ટેકનોલોજી: અહીં મોડ્યુલર ઓપરેશન થિયેટર અને નિષ્ણાત તબીબોની સુવિધા ઉપલબ્ધ છે.

  • લોકસેવા: દરરોજ 1800 થી વધુ દર્દીઓ આ હોસ્પિટલની સેવાનો લાભ લઈ રહ્યા છે, જે પશુપાલકોના સહયોગથી કાર્યરત છે.

Leave a Comment

READ MORE

READ MORE