વિજાપુરની કુડેદા બેઠક પર ભાજપનો કેસરીયો: સોશિયલ મીડિયા સ્ટાર નેહા સુથારનો ભવ્ય વિજય

મહેસાણા જિલ્લાના રાજકારણમાં આજે એક નવો ઇતિહાસ રચાયો છે. વિજાપુર તાલુકાની કુડેદા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના યુવા ઉમેદવાર અને જાણીતા મોડેલ નેહા સુથારે શાનદાર વિજય હાંસલ કર્યો છે. સોશિયલ મીડિયા પર લાખો ચાહકો ધરાવતા નેહા સુથારે ગ્લેમર જગતમાંથી રાજકારણના મેદાનમાં ઝંપલાવીને અનુભવી વિરોધીઓને કારમી પરાજય આપી છે.

લોકપ્રિયતા મતોમાં પરિવર્તિત: પરિવર્તનનો પવન

સામાન્ય રીતે સોશિયલ મીડિયાની લોકપ્રિયતા મતોમાં રૂપાંતરિત થશે કે કેમ તે બાબતે રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા હતી, પરંતુ કુડેદાના મતદારોએ નેહા સુથાર પર મહોર મારી તમામ અટકળો પર વિરામ મૂકી દીધો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ નેહાને જોવા-સાંભળવા માટે યુવાધન અને મહિલાઓની જે રીતે ભીડ ઉમટતી હતી.તે આજે પરિણામમાં સ્પષ્ટપણે જોવા મળી છે. જનતાએ જૂના રાજકીય સમીકરણોને બાજુએ મૂકી પરિવર્તન અને યુવા નેતૃત્વને આવકાર્યું છે.

“આ જીત કુડેદાના જન-જનની જીત છે”: નેહા સુથાર

વિજય બાદ ઉત્સાહિત નેહા સુથારે મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે, “આ જીત માત્ર મારી નથી.પણ કુડેદાના પ્રત્યેક નાગરિકની આશા અને વિશ્વાસની જીત છે. પક્ષે મારા પર જે ભરોસો મૂક્યો છે અને જનતાએ જે જવાબદારી સોંપી છે.તેને હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ. ગામમાં શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને પાયાની સુવિધાઓને પ્રાથમિકતા આપીને કુડેદાને મોડેલ ગામ બનાવવું એ મારો મુખ્ય એજન્ડા રહેશે.”

કુડેદા પંથકમાં વિજયી ઉત્સવ: દિવાળી જેવો માહોલ

નેહા સુથારના વિજયના સમાચાર મળતા જ કુડેદા ગામ અને સમગ્ર વિજાપુર પંથકમાં ભાજપના કાર્યકરોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. સમર્થકોએ નેહા સુથારને ફૂલહારથી લાડ લડાવ્યા હતા અને અબિલ-ગુલાલની છોળો વચ્ચે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.ઢોલ-નગારાના તાલે કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા અને ફટાકડા ફોડીને ઉત્સવ મનાવ્યો હતો.

રાજકીય ગણિતમાં મોટો ફેરફાર

નેહા સુથારના પ્રવેશથી વિજાપુરના સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો રચાયા છે. સોશિયલ મીડિયાના યુગમાં યુવા નેતૃત્વની સ્વીકાર્યતા વધી રહી હોવાનો આ જીત મજબૂત પુરાવો છે. ખાસ કરીને મહિલા મતદારોમાં નેહાની લોકપ્રિયતા ભાજપ માટે નિર્ણાયક સાબિત થઈ હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE