આંતરરાષ્ટ્રીય બજારમાં શુક્રવારે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. મિડલ ઈસ્ટમાં તણાવ હળવો થવા અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ફરી ખુલવાના સમાચાર બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં 10 ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે.
બજારમાં અગાઉ એવી આશંકા હતી કે, ઈરાન સંબંધિત તણાવને કારણે હોર્મુઝની સામુદ્રધુની બંધ થઈ શકે છે. જેનાથી વૈશ્વિક તેલ પુરવઠા પર મોટી અસર પડી હોત.ઉલ્લેખનીય છે કે, દુનિયાના કુલ તેલ પુરવઠાનો લગભગ 20% હિસ્સો આ જ માર્ગ પરથી પસાર થાય છે.
જોકે, તાજા સંકેતોમાં એ સ્પષ્ટ થયું છે કે માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો છે અને જહાજોની અવરજવર સામાન્ય છે. આનાથી સપ્લાય ખોરવવાનું જોખમ ઘટ્યું છે અને બજારમાં ગભરાટ ઓછો થતા ભાવમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો છે. બ્રન્ટ ક્રૂડના ભાવ ઘટીને 90 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયા છે, જ્યારે WTI ક્રૂડ પણ ઘટીને 83-86 ડોલર પ્રતિ બેરલની રેન્જમાં આવી ગયું છે.
રોકાણકારોએ કરી નફો વસૂલાત (Profit Booking)
બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તાજેતરના ઉછાળા બાદ રોકાણકારોએ મોટા પાયે પ્રોફિટ બુકિંગ કર્યું હતું.જેના કારણે ઘટાડો વધુ ઝડપી બન્યો હતો.આ સિવાય સીઝફાયર અને વાતચીતની શક્યતાઓએ પણ બજારના સેન્ટિમેન્ટને હકારાત્મક બનાવ્યું છે.
પેટ્રોલ-ડીઝલ સસ્તું થઈ શકે છે
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો ભારત જેવા આયાત પર નિર્ભર દેશો માટે રાહતના સમાચાર છે. આનાથી આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પરનું દબાણ ઘટી શકે છે.મોંઘવારી દરમાં નરમાઈ આવી શકે છે અને શેરબજારને પણ સપોર્ટ મળી શકે છે.
નિષ્ણાતોનું માનવું છે કે હવે ક્રૂડ ઓઈલના ભાવની દિશા સંપૂર્ણપણે ભૌગોલિક રાજકીય (Geopolitical) ઘટનાક્રમ પર નિર્ભર રહેશે. જો તણાવ વધુ ઓછો થશે તો ભાવમાં વધુ ઘટાડો શક્ય છે. પરંતુ કોઈ પણ નવા વિવાદથી બજારમાં ફરી ઉછાળો આવી શકે છે. એવું માનવામાં આવે છે કે, આ નિર્ણય બાદ સોમવારે ભારતીય શેરબજારમાં મોટી તેજી જોવા મળી શકે છે.ખાસ કરીને પેઈન્ટ્સ અને ટાયર બનાવતી કંપનીઓના શેરમાં ઉછાળો આવી શકે છે.સાથે જ તેલ કંપનીઓના શેરમાં પણ હલચલ જોવા મળી શકે છે.
Post Views: 40










