પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
તમે ભગવાનના મંદિરે તો અનેક જોયા હશે. પરંતુ સિંહનું મંદિર હોય તેવું ક્યાંય જોયું છે. વિશ્વનું એકમાત્ર પહેલું સિંહ મંદિર બન્યું હોય તો તે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઇ ગામ પાસે આવેલુ છે. આજે ૧૦ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહણ સ્મૃતિ સ્મારક ખાતે વિશ્વ સિંહ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. સિંહો દેશની આન બાન અને શાન છે. વિશ્વનું આ એકમાત્ર સિંહ સ્મારક અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલ છે. જેમ ભગવાન માટે આસ્થા પ્રેમ અને વિશ્વાસ છે તેમ રાજુલા પંથકમાં પણ લોકો માટે સિંહ પૂજનીય છે. ૧૦ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઇ ગામ પાસે આવેલ સિંહણ સ્મૃતિ સ્મારક ખાતે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ સિંહ દિવસની ઉજવણીમાં પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર ખાસ ઉપસ્થિત રહ્યા. સૌપ્રથમ વિપુલભાઇ લહેરી દ્વારા પધારેલા મહેમાનોનું ખેસ પહેરાવી સન્માન કર્યું હતું. ત્યારબાદ સિંહની પૂંજા અર્ચના કરી સિંહ ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતાં. અહીં આ સિંહણ સ્મૃતિ સ્મારક સિંહ પ્રેમીઓ દ્વારા એક સ્મારક બનાવવામાં આવ્યું છે. દર વર્ષે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ સ્મારક પર સિંહની પૂજા અને આરતી કરવામા આવે છે. જેમ હનુમાન ચાલીસાના પાઠ થાય તેમજ સિંહ ચાલીસાનું પઠન થાય છે. ગીરના સિંહને સૌથી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકો માટે સિંહ પ્રાણથી પણ પ્રિય છે. આ વિસ્તારને બૃહદગીર તરીકે ઓળખાય છે. આ સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવા પાછળની કહાની ખૂબ દર્દથી ભરેલી છે. સિંહ પ્રેમીઓએ વર્ષ ૨૦૧૪ માં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવાનો વિચાર આવ્યો હતો. ૨૦૧૩ માં એવી ઘટના બની હતી કે જેનાથી સિંહપ્રેમીઓને ખૂબજ ઠેસ પહોચી હતી. ભેરાઇ ગામ નજીક રેલવે ગુડ્સ ટ્રેન અકસ્માતમાં સુંદરી અને રૂપસુંદરી નામની બે સિંહણના મોત થયા હતા. અને સિંહણ લોકો વચ્ચે રહેતી અને લોકો તેને ખૂબજ પ્રેમ કરતા હતા. જે બાદ સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ સાથે માલધારીઓ આગળ આવ્યા અને લોક ભાગીદારીથી અહીં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવામાં આવ્યું હતું. સિંહણના આ સ્મારક પર લોકો માનતા પુરી કરવા પણ આવે છે. અહીંયા આ સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવા માટે ભેરાઇ ગામના આગેવાન હરસુરભાઈ દ્વારા પોતાની જમીન આપી વિશેષ યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર, મનુભાઇ ધાખડા, બીપીનભાઇ લહેરી, આણદુભાઇ ધાખડા, વિક્રમભાઇ ધાખડા, ચેતનભાઇ વ્યાસ, ભેરાઇ સરપંચ વાલાભાઇ રામ, હરસુરભાઇ રામ, દુલાભાઇ રામ, લાલાભાઇ કથડભાઇ રામ, મનસુખભાઇ વાઘેલા, શાસ્ત્રીજી હિતેશદાદા ઝાખંરા,
રાજુલા આર.એફ.ઓ. ડી.કે. મકવાણા, જાફરાબાદ આર.એફ.ઓ જીગ્નેશાબેન, વનીકરણ ઇન્ચાર્જ આર.એફ.ઓ નવનીતભાઇ ડેર, તેમજ વનવિભાગ અધિકારીઓ-કર્મચારીઓ, ગ્રામજનો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.











