અમેરિકી સીનેટે રશિયા અને તેના પેટ્રોલિયમ ઉત્પાદનોના મુખ્ય ખરીદદારો પર 100 ટકા ટેરિફ લાદવાના બિલને બહુમતીથી મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલાથી ભારત અને ચીન સહિત 5 દેશો સીધી રીતે પ્રભાવિત થશે. આ બિલ હેઠળ રશિયા પાસેથી તેલ અને ગેસની આયાત કરતા દેશો પર ભારે ભરખમ આર્થિક બોજ નાખવાની તૈયારી કરવામાં આવી રહી છે.
અમેરિકામાં જ આ નિર્ણયનો વિરોધ શરૂ
આ નવા પ્રસ્તાવને લઈને અમેરિકાની અંદર જ વિરોધના સૂર ઊઠવા લાગ્યા છે:
-
આત્મઘાતી નિર્ણય: એક અમેરિકી સીનેટરે સવાલ ઉઠાવતા કહ્યું છે કે, ચીન સામેની સ્પર્ધામાં ભારતનું સમર્થન મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે ભારત પર 100 ટકા ટેરિફ લાદવો સંપૂર્ણપણે આત્મઘાતી નિર્ણય સાબિત થઈ શકે છે.
-
ભૌગોલિક-રાજકીય અસર: નિષ્ણાતોના મતે વૈશ્વિક રાજકારણમાં આનાથી મોટા સમીકરણો બદલાઈ શકે છે.
રશિયાના ટોપ 5 ખરીદદારો પર અસર
વર્તમાન સમયમાં ચીન, ભારત, અઝરબૈજાન, હંગેરી અને સ્લોવાકિયા રશિયા પાસેથી તેલ અને ગેસની ખરીદી કરનારા ટોપ 5 દેશોમાં સામેલ છે.
-
કરાર પાછળનો તર્ક: બિલમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયા સાથેનો આ વેપાર યુક્રેન યુદ્ધને બળ આપે છે.
-
ઈરાન સેન્ક્શન એક્ટ: આ બિલ ‘ઈરાન સેન્ક્શન એક્ટ ઓફ 1996’ ની સમયમર્યાદાને પણ વધારીને 2031 સુધી લંબાવશે, જે ઈરાનના ઊર્જા ક્ષેત્રમાં રોકાણ કરતી કંપનીઓ પર દંડ ફટકારશે.
પ્રતિનિધિ સભામાં થશે ચર્ચા
સીનેટર બ્લૂમેન્થલે જણાવ્યું કે આ કડક ટેરિફ એવા તમામ દેશોને રોકવામાં મદદ કરશે જે આ આક્રમક જંગમાં સામેલ છે. જોકે, કેટલાક ડેમોક્રેટ્સે ચેતવણી આપી છે કે આનાથી રાષ્ટ્રપ્રમુખને ટેરિફ સંબંધિત વધુ વિશેષ અધિકારો મળી જશે.
હવે આ બિલ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (પ્રતિનિધિ સભા) સમક્ષ જશે, જ્યાં ચર્ચા હાથ ધરવામાં આવશે.











