ભુજના પૈયા ગામમાં પશ્ચિમ કચ્છ LCBનો દરોડો, કથિત ગૌવંશ કતલખાનાનો ભાંડો ફૂટ્યો

પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ભુજ નજીક આવેલા પૈયા ગામની સીમમાં મોટી કાર્યવાહી હાથ ધરી કથિત ગૌવંશ કતલખાનાનો પર્દાફાશ કર્યો છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે ત્રણ આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે 100 કિલો જેટલું શંકાસ્પદ માંસ, એક બોલેરો મેક્સી ટ્રક, ટ્રેક્ટર તેમજ કતલ માટે ઉપયોગમાં લેવાતા હથિયારો કબજે કર્યા છે. સમગ્ર કાર્યવાહીમાં કુલ ₹5.18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.

પ્રાથમિક તપાસમાં ગૌવંશની કતલ થતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, જપ્ત કરાયેલા માંસના નમૂનાઓને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે, જેના રિપોર્ટ બાદ કાયદેસરની આગળની કાર્યવાહી વધુ મજબૂત બનશે.

ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી, તેમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે અને માંસનું વિતરણ ક્યાં કરવામાં આવતું હતું તે સહિતના મુદ્દાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ફરાર થયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે પશ્ચિમ કચ્છ LCBએ અલગ-અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કાર્યવાહી બાદ પશ્ચિમ કચ્છ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો સ્પષ્ટ સંદેશો ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE