તાપીમાં લાકડાની હેરાફેરી રોકવા જતા RFOનું કરુણ મોત: પીછો દરમિયાન અકસ્માતમાં બેના જીવ ગયા

સોનગઢ ચેકપોસ્ટ નજીક ઇનોવા કાર કન્ટેનર સાથે અથડાઈ; RFO વિકાસ દેસાઈ અને ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત

તાપી: ગેરકાયદેસર લાકડાની હેરાફેરી સામે કાર્યવાહી દરમિયાન તાપી જિલ્લામાં કરુણ અકસ્માત સર્જાયો છે. શંકાસ્પદ લાકડા ભરેલા વાહનનો પીછો કરતી વન વિભાગની ઇનોવા કાર સોનગઢ ચેકપોસ્ટ નજીક કન્ટેનર સાથે ધડાકાભેર અથડાતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) વિકાસ દેસાઈ અને કારના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર, વન વિભાગને લાકડાની ગેરકાયદેસર હેરાફેરી અંગે બાતમી મળતા RFO વિકાસ દેસાઈની આગેવાનીમાં ટીમ કાર્યવાહી માટે નીકળી હતી. પીછો દરમિયાન ઇનોવા કાર અચાનક કન્ટેનર સાથે અથડાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ, વન વિભાગ અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમગ્ર બનાવ અંગે ઉચ્છલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતની પરિસ્થિતિ, લાકડા ભરેલા શંકાસ્પદ વાહનની ઓળખ અને હેરાફેરીમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા તપાસ તેજ કરવામાં આવી છે.

વન વિભાગના અધિકારીના દુઃખદ અવસાનથી સમગ્ર વિભાગમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે, જ્યારે ગેરકાયદેસર લાકડાની હેરાફેરીના નેટવર્ક સુધી પહોંચવા તપાસ વિવિધ દિશામાં આગળ ધપાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE