SBIમાં કરોડોની ગેરરીતિનો ભંડાફોડ! પૂર્વ બ્રાન્ચ મેનેજર સામે CBIની કાર્યવાહી

ગાંધીનગર: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની કડજોદરા શાખામાં થયેલી કરોડોની નાણાકીય ગેરરીતિના મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ પૂર્વ બ્રાન્ચ મેનેજર સામે ગુનો નોંધતાં સમગ્ર પ્રકરણ ચર્ચામાં આવ્યું છે. FIR મુજબ, આશરે રૂ.1.18 કરોડની લોન રકમમાં ગેરવહીવટ અને ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ છે.

CBI દ્વારા નોંધાયેલા કેસમાં કડજોદરા શાખાના તત્કાલીન મેનેજર અમલેશભાઈ ગમનભાઈ ગામીતનું નામ સામેલ છે. તપાસ એજન્સીનો આરોપ છે કે વર્ષ 2022થી 2025 દરમિયાન તેમણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને બેંકની આંતરિક પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કર્યું હતું.

તપાસમાં સામે આવ્યું છે કે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC), મુદ્રા ડેરી લોન અને અન્ય કૃષિ લોન યોજનાઓ હેઠળ મંજૂર થયેલી રકમનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપ મુજબ, ગ્રાહકો પાસેથી અગાઉથી સહી કરેલા ખાલી ઉપાડ ફોર્મ અને સુરક્ષા ચેક મેળવવામાં આવતા હતા, ત્યારબાદ તેમની જાણ વગર ખાતાઓમાંથી રકમ ટ્રાન્સફર કરવામાં આવતી હતી.

CBIએ શાખાના એક પાર્કિંગ ખાતાની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે. FIR અનુસાર, આ ખાતાનો ઉપયોગ વિવિધ લોન અને ગ્રાહક ખાતાઓમાંથી રકમ પસાર કરવા માટે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નાણાં અન્ય ખાતાઓમાં મોકલીને વ્યવહારોનો મૂળ સ્ત્રોત છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.

તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે કેટલીક રકમ આરોપીના નજીકના સંબંધીઓ અને પરિચિતોના ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. FIR મુજબ, સમગ્ર ગેરરીતિને અંજામ આપવા માટે આશરે 12 અલગ-અલગ મધ્યસ્થી ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

CBIએ કેસ નોંધ્યા બાદ નાણાકીય વ્યવહારો, બેંક રેકોર્ડ અને સંકળાયેલા ખાતાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. તપાસ એજન્સી હવે આ મામલે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE