યુદ્ધ રોકવા માટે ઈરાનની 6 શરતો, ટ્રમ્પને ચેતવણી: જો માંગ પૂરી નહીં થાય તો હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરાશે, ગલ્ફ દેશો અંધકારમાં ડૂબશે

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. ત્રણેય દેશો એકબીજા પર હુમલો કરી રહ્યા છે અને હાલમાં યુદ્ધવિરામના કોઈ અણસાર દેખાઈ રહ્યા નથી. આ દરમિયાન, ઈરાને ઈઝરાયેલ અને અમેરિકા સામે યુદ્ધ સમાપ્ત કરવા માટે 6 શરતો રાખી છે. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ માત્ર યુદ્ધવિરામ (Ceasefire) સ્વીકારશે નહીં; જો વિનાશ રોકવો હોય તો યુદ્ધનો સંપૂર્ણ અંત લાવવો પડશે. શરતો માનો અન્યથા જો ઈરાન પર હુમલા થશે તો બદલામાં હુમલા ચાલુ રહેશે.

પરમાણુ મથકો પરના હુમલાથી ઈરાન ગુસ્સે

ઈઝરાયેલે ઈરાનના પરમાણુ મથકો પર હુમલો કરવાનું શરૂ કર્યું છે, જેના જવાબમાં ઈરાને પણ ઈઝરાયેલના પરમાણુ મથકોને નિશાન બનાવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ખોલવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખોલે તો તેમના પાવર ગ્રીડ પર હુમલો કરવામાં આવશે. વળતો પ્રહાર કરતા ઈરાને પણ હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે બ્લોક કરવાની અને ગલ્ફ દેશોના પાવર ગ્રીડ પર હુમલો કરીને તેમને અંધકારમાં ધકેલી દેવાની ધમકી આપી છે.

યુદ્ધ રોકવા માટે ઈરાનની 6 મુખ્ય માંગણીઓ

  • ઈરાન વિરોધી મીડિયાકર્મીઓ પર કેસ ચલાવવો અને તેમનું પ્રત્યાર્પણ કરવું.

  • ભવિષ્યમાં યુદ્ધનું પુનરાવર્તન નહીં થાય તેની ગેરંટી આપવી.

  • આરબ દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો બંધ કરવા.

  • હુમલાઓ રોકવા અને ઈરાનને થયેલા નુકસાનનું વળતર ચૂકવવું.

  • તમામ પ્રાદેશિક મોરચે યુદ્ધનો અંત લાવવો.

  • હોર્મુઝ સ્ટ્રેટ માટે નવી કાયદાકીય વ્યવસ્થા ઊભી કરવી.

28 ફેબ્રુઆરી 2026થી મિડલ ઈસ્ટમાં યુદ્ધ જારી

નોંધનીય છે કે 28 ફેબ્રુઆરી 2026થી મિડલ ઈસ્ટમાં ભીષણ જંગ ચાલી રહ્યો છે અને છેલ્લા 24 દિવસથી ભારે તબાહી મચી રહી છે. અત્યાર સુધીમાં 15થી વધુ દેશો આ યુદ્ધની લપેટમાં આવ્યા છે.જ્યારે પણ ઈઝરાયેલ-અમેરિકા ઈરાન પર હુમલો કરે છે, ત્યારે ઈરાન વળતો પ્રહાર કરીને ઈઝરાયેલ અને આરબ દેશોમાં સ્થિત અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવે છે. હવે જો ઈઝરાયેલ-અમેરિકા ઈરાનના પરમાણુ કે તેલ-ગેસના મથકો પર હુમલો કરશે. તો ઈરાન ઈઝરાયેલના પરમાણુ મથકો અને આરબ દેશોના તેલ-ગેસ પ્લાન્ટ પર હુમલો કરવાની તૈયારીમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE