ગાંધીનગરમાં કાળમુખો અકસ્માત: સુદાનના આશાસ્પદ વિદ્યાર્થીનું એક્ટિવા બેરીકેટ સાથે અથડાતા કરુણ મોત

ગુજરાતના પાટનગરમાં વધુ એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.શહેરના ઈન્દ્રોડા ગામ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં, ઉચ્ચ અભ્યાસ માટે ભારત આવેલા સુદાનના એક વિદેશી વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

નિયંત્રણ ગુમાવતા એક્ટિવા બેરીકેટમાં ઘૂસી ગયું

મળતી માહિતી અનુસાર, મૂળ સુદાનનો વતની અને ગાંધીનગરમાં રહીને અભ્યાસ કરતો યુવાન પોતાનું એક્ટિવા લઈને ઈન્દ્રોડા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો. મુસાફરી દરમિયાન અચાનક એક્ટિવા પરનો કાબૂ ગુમાવતા વાહન રોડ સાઈડ પરના બેરીકેટ સાથે જોરદાર રીતે અથડાયું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે વિદ્યાર્થીને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેના કારણે તેણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

પોલીસની કાર્યવાહી અને તપાસ

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.અકસ્માત વાહન પરના કાબૂ ગુમાવવાને કારણે થયો હોવાનું મનાય છે..પોલીસે સુદાન એમ્બેસી (દૂતાવાસ) અને મૃતકના પરિવારજનોને આ દુખદ ઘટના અંગે જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.

શૈક્ષણિક જગતમાં શોકની લહેર

પોતાના વતનથી હજારો કિલોમીટર દૂર સોનેરી ભવિષ્યના સપના સાથે ભારત આવેલા આ યુવાનના આકસ્મિક અવસાનથી સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય વિદેશી વિદ્યાર્થીઓમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે…આ ઘટનાએ ફરી એકવાર શહેરી વિસ્તારોમાં વાહનોની ગતિ અને ટ્રાફિક સુરક્ષાના સાધનોની ગોઠવણી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE