ગુજરાત: બાળકોની સંખ્યા શૂન્ય હોય તેવી પ્રાથમિક શાળાઓ તાત્કાલિક બંધ કરવા રાજ્ય સરકારનો આદેશ
ગાંધીનગર: રાજ્ય સરકારે મોટા પ્રમાણમાં શિક્ષણ વિભાગમાં કડક વલણ દાખવતાં આદેશ જાહેર કર્યો છે કે, રાજ્યની તમામ સરકારી અને કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક શાળાઓમાં જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય છે, તેવી શાળાઓ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે.
શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (DPEO) અને કોર્પોરેશન શાળાના શાસનાધિકારીઓને પરિપત્ર દ્વારા આદેશ અપાયા છે કે, જો આવી શાળાઓ બંધ કરવામાં નહીં આવે તો સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPEO) અને DPEO સહિતના અધિકારીઓને જવાબદાર ઠરાવવામાં આવશે.
પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ વધુમાં જણાવ્યું કે 31 જુલાઈની કટ ઑફ ડેટના આધારે દરેક શાળામાં દાખલ તમામ વિદ્યાર્થીઓની વિગતો CTSE પોર્ટલ પર અપલોડ કરવી ફરજિયાત છે. ઉપરાંત, SAS પોર્ટલ અને Teacher Portal પર પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની વિગત અપડેટ કરવાની રહેશે.
ખોટી સંખ્યા દર્શાવી મેનપાવર મેળવવાના પ્રયાસો સામે પણ કાર્યવાહી
શાળાઓ દ્વારા ખોટી સંખ્યા દર્શાવી વધુ શિક્ષકો અથવા સંસાધનો મેળવવાનો પ્રયાસ કરવામાં આવે તો પણ એ સામે પગલાં લેવામાં આવશે. એવી શાળાઓની વિગતો DPEO દ્વારા જાતે તપાસવી રહેશે.
તેમજ ધોરણ 1 થી 5 અને બાલવાટિકાના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતી વિગતો યોગ્ય રીતે ગણતરીમાં લેવાશે.
દિવ્યાંગ બાળકોની વિગતો પણ અલગથી
આદેશમાં જણાવાયું છે કે, 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓની વિગતો UDID પોર્ટલ પર નોંધાઈ હોવી જરૂરી છે અને તે આધારે માહિતી તૈયાર કરવી પડશે.