હોસ્ટેલ રૂમ બાદ હવે આઈટી રૂમના પ્લાન પાસ કરાવી ઓફિસનું ધડાધડ બાંધકામ-વેંચાણ!
આર્કિટેક-બિલ્ડર દ્વારા તંત્રને તેમના જ નિયમો આગળ ધરી ઊંધા કાન પકડાવાયા
અત્યાર સુધી રહેણાંક વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરના માળથી હોસ્ટેલ રૂમનો પ્લાન પાસ કરાવી ઓફિસ વેચાતી, હવે આઈટી વર્ક રૂમનો પ્લાન પાસ કરાવી ઓફિસ વેચાઈ છે
આઈટી રૂમમાં ફક્ત આઈટી રિલેટેડ જ એક્ટિવિટીને મંજૂરી, તો શું એક પ્રોજેક્ટના 500 આઈટી રૂમમાંથી તમામમાં આઈટી રિલેટેડ એક્ટીવિટી શક્ય છે?
રાજકોટના વિસ્તારમાં થઈ રહેલા વધારા સાથે રોજ નવા બાંધકામો આકાર લઈ રહ્યા છે. આ બધા જ બાંધકામો પરવાનગી અને નિયમ મુજબ થઈ રહ્યા છે કે કેમ તે જોવાની જવાબદારી તો તંત્રની છે પરંતુ સૂત્રોના જણાવ્યાં અનુસાર જો રોજ ગેરકાયદે દબાણ તોડવા માટેનું કામ શરૂ કરવામાં આવે તો ત્રણ વર્ષ સુધી બીજુ કોઈ કામ હાથ પર લેવાની જરૂર ના પડે તેટલી ફરિયાદોનો ઢગલો ખડકાયો છે. આજકાલ ગેરકાયદે બાંધકામની ફરિયાદ વધી રહી છે ત્યારે આ પ્રકારની ફરિયાદ અને કાર્યવાહીમાંથી બચવા માટે બિલ્ડર-આર્કિટેક દ્વારા નવો કિમીયો કાઢવામાં આવ્યો છે.
આજ દિન સુધી રહેણાક વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર પછીના માળથી હોસ્ટેલ રૂમનો પ્લાન પાસ કરાવી તે રૂમમાં શટર નાખીને ઓફિસનું વેચાણ થતું હતું ત્યારે હવે ગ્રાઉન્ડ ફ્લોર પછીના માળથી આઈટી વર્ક રૂમનો પ્લાન પાસ કરાવી શટર નાખીને ઓફિસ વેચાવાનું શરૂ થયું છે. જોકે આઈટી રૂમમાં કોમર્શિયલ એક્ટિવિટી કરી શકાય છે પણ શું ગ્રાઉન્ડ ફ્લોર બાદ કરતાં દસેક માળની બિલ્ડીંગના પ્રોજેક્ટમાં બનાવેલા 500 જેટલા આઈટી રૂમમાં એઆઈ ટેકનોલોજી સાથે સંકળાયેલી જ પ્રવૃત્તિ શક્ય છે?
આમ, હોસ્ટેલ બાદ આઈટી રૂમના નિયમનો લાભ લઈ રહેણાંક વિસ્તારમાં હોસ્ટેલ પછી હવે આઈટી રૂમના નામે ધડાધડ ઓફિસ બનવા અને વેચાવા લાગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક અતિ જ્ઞાની આર્કિટેક દ્વારા જ બિલ્ડરને આઈટી રૂમનો પ્લાન પાસ કરાવી ઓફિસ તરીકે વેચવાનો આઈડિયા આપવામાં આવ્યો છે અને આ પ્રકારે બિલ્ડર-આર્કિટેક દ્વારા તંત્રને તેમના જ નિયમો આગળ ધરી ઊંધા કાન પકડાવવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં આ પ્રકારે રહેણાક વિસ્તારમાં કોમર્શિયલ એક્ટિવિટી મામલે જાગૃત નાગરિક દ્વારા થતી ફરિયાદથી પણ બચી જવાનો એક રસ્તો મળી ગયો છે!