વધુ એક પોન્ઝી સ્કીમમાં રાજકોટ સહિત રાજ્યભરના હજારો લોકોના કરોડો ફસાયા? RESET WEALTH MANAGEMENT દ્વારા રોકાણકારો સાથે ઊંચા વળતરની લાલચ આપી કરાઈ છેતરપિંડી

વધુ એક પોન્ઝી સ્કીમમાં રાજકોટ સહિત રાજ્યભરના હજારો લોકોના કરોડો ફસાયા?

RESET WEALTH MANAGEMENT દ્વારા રોકાણકારો સાથે ઊંચા વળતરની લાલચ આપી કરાઈ છેતરપિંડી

કૌભાંડના મૂળ સૂત્રધાર સંજય માંગરોલીયા અને એજન્ટ ભરત મચ્છોયા ફરાર

છેતરપિંડીનો ભોગ બનનારાઓ ફરિયાદ નોંધાવવા મેટોડા પોલીસ સ્ટેશન પહોંચ્યા, એક પીડિત હિતેષ પરમારે પોલીસ કમિશનરમાં કરી અરજી ન્યાયની માંગ કરી

ગુજરાતમાં વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે. રાજકોટની રિસેટ વેલ્થ કંપનીએ કરોડોનું ફૂલેકું ફરેવ્યું હોવાનું સામે આવ્યું છે. રોકાણકારો સાથે મહિને 5 ટકાના વળતરના નામે કરોડોનું રોકાણ કરી લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વર્ષ 2017થી ઓનલાઈન એપ્લિકેશન મારફતે રાજ્યના 5થી 7 હજાર લોકોએ કરોડોનું રોકાણ કર્યાની આશંકા છે. હાલ રાજકોટમાં RESET WEALTH MANAGEMENT દ્વારા રોકાણકારો સાથે મહિને ઊંચા વળતરની લાલચમાં છેતરપિંડીની ભોગ બનનાર મેટોડા પોલીસ મથકે પહોંચ્યા હતા. આખાય કૌભાંડના મૂળ સૂત્રધાર સંજય માંગરોલીયા નામનો મુખ્ય વ્યક્તિ અને ભરત મચ્છોયા નામનો એજન્ટ હાલ ફરાર છે.

આ દરમિયાન ખાનગી કંપનીમાં એરિયા સેલ્સ મેનેજર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હિતેષ પરમારે રાજકોટ પોલીસ કમિશનરમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, RESET WEALTH MANAGEMENT નામથી પેઢીમાં પાડોશી મિત્ર રોકાણ કરતા હોય એમાં રોકાણ સંદર્ભે યોગ્ય વળતર ૫% આપતા હોય જેથી RESET WEALTH MANAGEMENTની ઓફીસ ૨૦૬, આર.કે. એમ્પાયર, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટમાં ઓફીસ આવેલી હોય ત્યાં મુલાકાત લઈ સંજય માંગરોલીયા તથા તેમની ઓફીસના સ્ટાફ મેમ્બર દ્વારા તેમને રોકાણ સંદર્ભે ૫% ઇન્વેસ્ટના વળતર પેટે આપશે તેવું જણાવેલું હતું અને તેમને પોતાની એપ્લિકેશન (મોબાઈલ એપ) ઈન્સ્ટોલ કરાવી રકમ જમા કરવા સૂચવેલું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૨૩થી ૨૪/૦૧/૨૦૨૫ સુધીમાં રકમ રૂ.૨૨,૦૫,૦૦૦/- બેંક મારફત રોકાણ કરેલું હતું અને તેમાંથી બેંક મારફત રકમ રૂ. ૬,૩૭,૧૨૫/- રીટર્ન આપેલા હતા તેમજ સંજય માંરોલીયા, તેની પત્ની તથા તેની ઓફિસના માણસો દ્વારા RESET ENTERTAINMENTમાં રોકાણ કરવા સૂચવેલું હતું જેથી એપ્લિકેશન મારફત તા. ૨૪/૦૧/૨૦૨૫ના રોજ રકમ રૂ. ૨,૬૨,૫૦૦/- બેંક મારફત રોકાણ કરેલું હતું.

આગળ જતાં કંપની અંગે શંકા જતા એપ્લિકેશન મારફત રકમ રૂ.૧૫,૯૨,૫૦૦/- વિડ્રો કરી લીધેલા હતા અને તેમાં હજુ રોકાણ ૬, ૧૨,૫૦૦/- + ૨,૮૮,૭૫૦/- = ૯,૦૧,૨૫૦/- વિડ્રો કરીએ તે પહેલા બ્લોક કરી દીધેલા હતા અને રોકાણ અંગેનું વળતર પણ આપેલું ન હોય જેથી સંજય માંગરોલીયાને જાણ કરતા તેઓએ જણાવેલું કે, તમને રકમ પરત નહીં આપી શકું અને એનકેન બહાના બનાવા લાગેલા હતા અને કહેલું કે, એક બે મહિનામાં પરત આપી દઈશું અને મેસેજ દ્વારા જણાવેલું કે કોઈપણ જાતની લીગલ કાર્યવાહી કરવી નહીં. નહીતર એકપણ રૂપિયો પરત મળશે નહીં. આથી સંપૂર્ણપણે શંકા ઉપજેલ કે રોકાણ કરવાના બહાને સંજય માંરોલીયા તથા તેની પત્ની તેમજ તેના વ્યક્તિઓ દ્વારા અનેક રોકાણકારો પાસેથી આવી સ્કીમના ઓઠા હેઠળ પૂર્વ આયોજિત કાવતરું રચી કરોડોનું કોભાંડ આચરી ફરાર થઈ ગયા હતા. બાદમાં અનેક વખત ફોન અને મેસેજથી અમોના નાણા પરત માટે જણાવેલું પરંતુ નાણા પરત ન મળતા ફરિયાદી હિતેષ પરમારે RESET WEALTH MANAGEMENT નામથી પેઢી તથા RESET ENTERTAINMENT ચલાવતા સંજય માંગરોલીયા તથા તેમના પત્ની તથા તપાસમાં ખુલે તે દરેક વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા રાજકોટ પોલીસ કમિશનરમાં અરજી કરી છે.

Leave a Comment

READ MORE

READ MORE