અધિકારીઓ સામે પ્રજાનો તોફાન, વોર્ડ બેઠકમાં થયો ‘હિસાબ-કિતાબ’!
.
🔸 વોર્ડ નં.-2 માં ચેરમેન, દંડકની ઉપસ્થિતિમાં ડે. કમિશનર સહિત અધિકારીઓને તત્કાલ અસરકારક કાર્યવાહી કરવાના આદેશ
🔸 ખાડા, સફાઈ, આરોગ્ય, પાઈપલાઇન લેવલિંગના મુદ્દે સભ્યો સતર્ક
🔸 કોંગ્રેસ, ‘આપ’ના દબાણ અને મીડિયા રિપોર્ટો બાદ તંત્ર દોડતું થયું
🔸 દરેક વોર્ડમાં અધિકારીઓને હાજર રાખવા ઊંચા સ્તરે સૂચનાઓ
—
રાજકોટ મહાનગરપાલિકામાં સ્થાનિક સમસ્યાઓનો નિકાલ લાવવા માટે જી.પી.એમ.સી. એક્ટ હેઠળ રચાયેલી વોર્ડ સમિતિઓ હવે સાચા અર્થમાં સક્રિય થતી જોવા મળી રહી છે. સામાન્ય વરસાદે જ શહેરના રસ્તા, સફાઈ અને ડ્રેનેજ વ્યવસ્થાની હાલત બેય બનાવતા હવે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પરિણામે વિવિધ રાજકીય પક્ષો સહિત મીડિયાએ પણ તંત્ર સામે સવાલો ઊઠાવ્યા છે.
આજ રોજ સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.-2માં યોજાયેલી સમિતિની બેઠકમાં ચેરમેન જયમિન ઠાકર, દંડક મનીષ રાડિયા, કોર્પોરેટર મીનાબા જાડેજા તેમજ ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ હાજર રહ્યા હતા. અહીં વોર્ડના રહેવાસીઓ દ્વારા ભારે ફરિયાદો કરવામાં આવી હતી. ખાસ કરીને ધોવાઇ ગયેલા રોડ, ખાડાઓ, બગડેલી પાઈપલાઈન સિસ્ટમ, અસફાઈ અને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ મુદ્દે સજીવ ચર્ચા થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં પણ વોર્ડ નં.-7ના કોર્પોરેટરોએ જાગનાથ, ભીલવાસ, સરદારનગર જેવા વિસ્તારોમાં રોડ રીસ્ટોર ન થવાના તેમજ અયોગ્ય લેવલિંગના મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ તંત્રએ તમામ વોર્ડમાં અધિકારીઓની હાજરી ફરજિયાત કરવાની સૂચના આપી છે.
આજની બેઠકમાં અધિકારીઓએ સ્થળ પર જ જરૂરી નોંધો લીધી હતી અને કેટલીક બાબતમાં તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવાની પણ સુચના અપાઈ હતી.
પદાધિકારીઓએ બેઠકમાં સ્પષ્ટતા કરી કે જો વોર્ડ કમીટીઓ આવા જ રીતે સક્રિય બની રહે તો નાગરિકોના અનેક પ્રશ્નોનો ઝડપી ઉકેલ શક્ય બને. શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ ઈજનેરી વિભાગની ટીમો કાર્યરત છે અને આગામી દિવસોમાં કામગીરીમાં ઝડપ લાવવામાં આવશે.