ગુજરાતમાં 1થી 7 એપ્રિલ દરમિયાન ખાનગી હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ દ્વારા હૃદયરોગની સારવાર મળી શકશે નહીં. ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ફોરમના આ નિર્ણયથી અનેક દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
તમારી પાસે આયુષ્માન કાર્ડ હોવા છતા હૃદયરોગની સારવાર નહીં કરાવી શકો કારણ કે ગુજરાતમાં ખાનગી હોસ્પિટલ સંચાલકોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરતાં એક મોટો નિર્ણય લીધો છે. ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ફોરમ (ICF) દ્વારા જાહેર કરાયું છે કે 1થી 7 એપ્રિલ દરમિયાન આયુષ્માન કાર્ડ (PMJAY) હેઠળ હૃદયરોગની કોઈપણ સારવાર નહીં કરવામાં આવે.
હૃદયરોગની સારવાર કેમ રોકી?
હોસ્પિટલ સંચાલકો અને કાર્ડિયોલોજીસ્ટ ફોરમનો દાવો છે કે છેલ્લા કેટલાય વર્ષોથી હૃદયરોગની સારવારનો ખર્ચ સતત વધી રહ્યો છે, પરંતુ આયુષ્માન યોજનાના પેકેજ દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ સ્થિતિમાં દર્દીઓને ગુણવત્તાસભર સારવાર આપવી મુશ્કેલ બની ગઈ છે. આ નિર્ણયને કારણે ગુજરાતમાં અનેક હૃદયરોગી દર્દીઓને સમસ્યા ઊભી થઈ શકે છે.
મહાનગરો પણ આ નિર્ણયથી સહભાગી
જો તેઓ આયુષ્માન કાર્ડ દ્વારા સારવાર લેવા માંગે છે, તો તેમને 7 એપ્રિલ સુધી રાહ જોવી પડશે અથવા ખાનગી રીતે ખર્ચ ઉઠાવી સારવાર કરાવવી પડશે. વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ અને અન્ય મોટા શહેરોની ખાનગી હોસ્પિટલોએ પણ આ નિર્ણયમાં સહભાગી થવાની જાહેરાત કરી છે.
સરકાર શું કરી શકે?
આ મુદ્દે સરકાર અને ખાનગી હોસ્પિટલ સંચાલકો વચ્ચે ચર્ચાઓ થવાની શક્યતા છે. જો સરકાર પેકેજ રેટમાં વધારો કરવા માટે સંમત થાય, તો આ હડતાળ ટાળવી શકાય. દર્દીઓ અને તેમના પરિવારજનોની હાલતને જોતા સરકાર ટૂંક સમયમાં કોઈ નિર્ણય લે તે જરૂરી બની ગયું છે. જો સરકાર અને હોસ્પિટલ સંચાલકો વચ્ચે સમાધાન નહીં થાય, તો દર્દીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે.