એપ્રિલ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કરાયો આટલા ટકાનો વધારો
શુક્રવારે કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) માં 2% નો વધારો કરવાની મંજૂરી આપી. આ વધારા સાથે હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરોના મોંઘવારી રાહત (DR) 53 ટકાથી વધીને 55 ટકા થશે.
છેલ્લો વધારો જુલાઈ 2024 માં થયો હતો, જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકાથી વધારીને 53 ટકા કરવામાં આવ્યું હતું. હવે 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારબાદ કર્મચારીઓના મૂળ પગારમાં 2 ટકા વધારાનો મોંઘવારી ભથ્થો ઉમેરવામાં આવશે. આ વધારો 1 જાન્યુઆરી 2025 થી અમલી માનવામાં આવશે.
કેટલો વધશે પગાર?
- જો કોઈનો પગાર 50000 રૂપિયા છે તો તેને હવે 55% DA મુજબ 27500 રૂપિયા મોંઘવારી ભથ્થું મળશે. એટલે કે કર્મચારીઓના પગારમાં 1000 રૂપિયાનો વધારો થશે.
- હાલમાં 70000 રૂપિયાના પગાર પર 55% DA મુજબ મોંઘવારી ભથ્થું 38500 રૂપિયા મળશે.એટલે કે તે કર્મચારીઓના પગારમાં 1400 રૂપિયાનો વધારો થશે.
- તેવી જ રીતે 100000 રૂપિયાના પગાર મેળવનારાઓને 55%ના DA મુજબ 55000 રૂપિયા મોંઘવારી ભથ્થું મળશે.એટલે કે કર્મચારીઓના પગારમાં દર મહિને 2000 રૂપિયાનો વધારો થશે.
78 મહિનામાં આ પહેલી વાર
છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારી ભથ્થામાં 3 થી 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ 78 મહિનામાં એટલે કે 6.6 વર્ષમાં પહેલીવાર DAમાં માત્ર 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2018 ની શરૂઆતમાં મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી સતત 3 કે 4 ટકાનો વધારો જોવા મળ્યો છે.