અમદાવાદ ઈસ્કોન અકસ્માત બ્રિજ કેસમાં 9 લોકોનો ભોગ લેનાર આરોપીને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે, આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ફૂલ સ્પીડમાં જેગુઆર કાર ચલાવીને 9 નિર્દોષ લોકોના જીવ લેનાર નબીરો તથ્ય પ્રજ્ઞેશ પટેલ જેલના સળિયા ગણી રહ્યો છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ આરોપી તથ્ય વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કર્યા છે. પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જો કે, હવે 9 લોકોનો ભોગ લેનાર અકસ્માતના આરોપીને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે.
9 લોકોના જીવ લેનારને કેસમાંથી મુક્તિ જોઈએ
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે કે, તેમને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે. જેના પગલે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. અત્રે જણાવીએ કે, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે જુલાઈ 2023માં અકસ્માત સર્જ્યો હતો જેમાં 9 લોકોના જીવ લીધા હતા તેમજ 13 લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
ઇસ્કોન બ્રિજ પર 9 લોકોના જીવ લીધા
જુલાઈ 2023માં ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 141.27થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જેગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે કેસના મુખ્ય આરોપીનું નામ તથ્ય પટેલ છે
તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ નોંધાયેલા છે 8 ગુના
શહેર પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગે અગાઉ એક નિવદેનમાં જણાવ્યું હતુ કે, ઇસ્કોનબ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે સામૂહિક દુષ્કર્મ, છેતરપિંડી, ખંડણી સહિત 8 કેસ નોંધાયેલા છે. તેની સામે સોલા પોલીસ સ્ટેશનમાં 2, શાહપુર પોલીસ સ્ટેશનમાં 1, રાણીપ પોલસ સ્ટેશનમાં 1, ક્રાઈમ બ્રાન્ચમાં 1, મહિલા ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં 1, ડાંગ પોલીસ સ્ટેશનમાં 1 અને મહેસાણા પોલીસ સ્ટેશનમાં 1 ફરિયાદ નોંધાયેલી છે.