વિધાનસભામાં કલાકારોના સન્માનમાં ઠાકોર સમાજને અવગણ્યાનો વિવાદ વકર્યો છે. ત્યારે વિક્રમ ઠાકોરે વ્યક્ત કરેલી નારાજગી બાદ હવે ગેનીબેન ઠાકોરે વિવાદમાં ઝંપલાવ્યું હતું. જેમાં તેઓએ ઠાકોર સમાજના એકપણ કલાકારનું સન્માન ન કરતા નારાજગી વ્યક્ત કરી છે.
ગણતરીના જ કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં આવતા ઠાકોર સમાજમાં નારાજગી જોવા મળી છે. ત્યારે વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના કલાકારોની નારાજગી બાદ સાંસદ ગેનીબેન ઠાકોર મેદાને આવ્યા છે. આ ઉપરાંત ઠાકોર સમાજના કલાકારોનું સન્માન ન થતા ગેનીબેન ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. સમગ્ર ઘટનાને લઇ ગેનીબેને વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજને સમર્થન આપ્યું હતું.
તેઓએ જણાવ્યું હતું કે સરકારે કલા અને સંસ્કૃતિને જીવંત રાખનાર કલાકારોનું સન્માન કર્યું. ઠાકોર સમાજના એક પણ કલાકારને સ્થાન ન આપ્યું. સમાજના કલાકારો જે પણ નિર્ણય લેશે તેમાં હું સંપૂર્ણ સમર્થન જાહેર કરું છું. ત્યારે બીજી તરફ અભિનેતા વિક્રમ ઠાકોરને લોકગાયક કીર્તિદાન ગઢવીનું સમર્થન મળ્યું છે. તેઓએ વિધાનસભામાં વિઝિટ માટે ન બોલાવતા વિક્રમ ઠાકોરની નારાજગીને યોગ્ય ગણાવી હતી. અને આ કોઈ પૂર્વ આયોજિત આયોજન નહોતું. તેમજ કલાકારની કોઈ જ્ઞાતિ ન હોય તેમ જણાવ્યું હતું.
કલાકારો ગયા હતા વિધાનસભામાં
ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું. તે દરમ્યાન ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કલાકારોને વિધાનસભાની મુલાકાત માટે નિમંત્રણ પાઠવ્યું હતું. જેને માન આપી ગુજરાતનાં અનેક ખ્યાતનામ કલાકારો ભીખુદાન ગઢવી, ગીતા રબારી, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી સહિતનાં કલાકારોએ ગુજરાતન વિધાનસભા ગૃહની મુલાકાત લીધી હતી. તેમજ આ મુલાકાત દરમ્યાન તેઓ વિધાનસભા ગૃહમાં ચાલતી કામગીરીની માહિતી મેળવી હતી. જેમાં કોઈ ઠાકોર કલાકારને બોલાવવામાં ન આવતા આ બાબતે ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર દ્વારા નારાજગી વ્યક્ત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વીડિયોમાં વિક્રમ ઠાકોરે કલાકારોને વિધાનસભામાં બોલાવવા બાબતે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, કેટલાક કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં આવ્યા હતા. ત્યારે હવે કલાકારોનાં અલગ અલગ ગ્રુપ બની ગયા છે. મને ના બોલાવ્યો એનો વાંધો નહી. પરંતું બીજા ઘણા ઠાકોર સમાજનાં સારા કલાકાર છે એમને બાકાત રખાયા હતા. ઠાકોર સમાજનાં નેતાઓએ આ બાબતે ધ્યાન આપવું જોઈએ. ઠાકોર સમાજનાં નેતા નવઘણજી ઠાકોર સાથે ઈન્સ્ટા લાઈવમાં વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.