વીજબીલને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા હતા. જેમાં રાજ્યની 53 નગરપાલિકા પાસે વીજબિલ ભરવા રૂપિયા ન હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં કથળેલી વહીવટી વ્યવસ્થાને કારણે રાજ્યની નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની છે. ગુજરાતની મોટાભાગની નગરપાલિકાઓની તિજોરીઓ ખાલી ખમ છે. રાજ્યની નગરપાલિકાઓની નબળી આર્થિક સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમની પાસે તેમના વીજ બિલ ભરવા માટે પણ પૈસા નથી.
વીજબિલ ભરવા સરકારે લોન આપી
વિધાનસભા સત્રામાં ગુજરાતની 53 નગરપાલિકાએ કરોડો રૂપિયાના વીજ બિલની ચૂકવણી ન કરી હોવાની વિગતો સામે આવી છે. ત્યારે આ બાબતે ધારાસભ્ય અનંત પટેલના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો હતો. જેમાં સરકારે જણાવ્યું હતું કે નગરપાલિકાઓને વીજબિલ ભરવા સરકારે લોન આપી છે. જેમાં સરકારે 53 નગરપાલિકાઓને 190 કરોડ રૂપિયાની લોન આપી હતી.
નગરપાલિકા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ થવાની શક્યતાઓ છે અને જેના કારણે રસ્તાઓ અંધકારમાં ડૂબી શકે છે. આવકમાં ઘટાડાના કારણે નગરપાલિકાઓ આર્થિક સંકટનો સામનો કરી રહી છે. પાણી સહિતના વિવિધ વેરા વસૂલવામાં નગરપાલિકા તંત્ર કડક ન હોવાના કારણે વહીવટીતંત્રની આવક ઘટી રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને, જનપ્રતિનિધિઓ કડક વસૂલાત માટે રોકે છે. આ તમામ કારણોસર પાલિકા પાસે કમાણીનું કોઈ સાધન નથી. મહત્વની વાત એ છે કે ટેક્સની રકમ વધારવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે, પરંતુ ખુદ સરકાર તેનો અમલ કરવાના મૂડમાં નથી તેવી પણ ચર્ચા છે.