મોદી સરકારે કેદારનાથ રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયને કારણે ચારધામ યાત્રાએ જતાં શ્રદ્ધાળુઓને મોટી સહાય મળશે.
કેન્દ્ર સરકારે બુધવારે કેદારનાથ અને હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. બુધવારે પીએમ મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ મોટો નિર્ણય લેવાયો હતો. મોદી સરકારના આ નિર્ણય બાદ હવે સોનપ્રયાગથી કેદારનાથ સુધી 12.9 કિલોમીટર સુધીનો રોપવે બનશે જેમાં 4081 કરોડનો ખર્ચ આવશે. નેશનલ હાઇવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ આ રોપવેનું બાંધકામ કરશે.
9 કલાકની મુસાફરી 36 મિનિટમાં પૂર્ણ
આ રોપવે પૂરો થયા બાદ 8 થી 9 કલાકની મુસાફરી ફક્ત 36 મિનિટમાં પૂર્ણ થશે. કેન્દ્ર સરકારના આ પગલાથી ચારધામ યાત્રાને પ્રોત્સાહન મળશે, જેનાથી સ્થાનિક વ્યવસાયોને ફાયદો થશે અને પ્રદેશના આર્થિક વિકાસને વેગ મળશે. આનાથી આખા છ મહિના સુધી યાત્રાળુઓની અવરજવર ચાલુ રહેશે, જેનાથી શરૂઆતના બે મહિનામાં સંસાધનો પરનો ભારે દબાણ ઓછો થશે. એટલું જ નહીં, મુસાફરીની મોસમ દરમિયાન રોજગારીની તકો પણ વધશે. તમામ ઋતુઓમાં સોનપ્રયાગ અને કેદારનાથ વચ્ચે યાત્રીઓની સુવિધાપૂર્ણ અવરજવર માટે આ રોપની મંજૂરી આપવામાં આવી છે.
દરરોજ 18,000 યાત્રીઓને લઈ જઈ શકશે
આ રોપ વે દરરોજ 18,000 યાત્રીઓ કેદારનાથના દર્શને લઈ જશે.
હાલમાં કેવી રીતે થાય છે યાત્રા
કેદારનાથ મંદિર સુધીની યાત્રા ગૌરીકુંડથી 16 કિમીની પડકારજનક ચઢાણ છે. અને હાલમાં તે પગપાળા અથવા ટટ્ટુ, પાલખી અને હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવે છે પરંતુ રોપ વે બન્યાં બાદ યાત્રાળુઓની સુવિધા વધશે.
ચારધામ યાત્રાને પ્રોત્સાહન
કેદારનાથ ધામમાં 13 કિલોમીટર લાંબો રોપ વે બંધાવાથી ચાર ધામની યાત્રાએ જતાં શ્રદ્ધાળુઓને મોટી મદદ મળશે.
શું છે હેમકુંડ સાહિબ
ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબ જી સુધીના 12.4 કિલોમીટરના રોપવે પ્રોજેક્ટના નિર્માણને પણ મંજૂરી આપવામાં આવી છે. હાલમાં હેમકુંડ સાહિબજીની યાત્રા ગોવિંદઘાટથી 21 કિલોમીટરની પડકારજનક ચઢાણ છે. અહીંયા બનનાર રોપવેથી દરરોજ 11000 શ્રદ્ધાળુઓની યાત્રા સરળ બનશે. હેમકુંડ સાહિબ ઉત્તરાખંડના ચમોલીમાં 15,000 ફૂટની ઊંચાઈ પર આવેલું એક તીર્થસ્થળ છે, આ પવિત્ર સ્થળ પર સ્થાપિત ગુરુદ્વારા મે થી સપ્ટેમ્બર દરમિયાન વર્ષમાં લગભગ 5 મહિના ખુલ્લું રહે છે અને દર વર્ષે લગભગ 1.5 થી 2 લાખ યાત્રાળુઓ અહીં આવે છે.