રાજકોટની પાયલ હોસ્પિટલના વીડિયો લીક કેસ : રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટરનીટી હોમ હોસ્પિટલમાંથી વાયરલ મહિલા દર્દીઓની સારવાર અને તપાસના વીડિયો યુ-ટયુબ અને ટેલીગ્રામ ચેનલ ઉપર અપલોડ કરવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમે મહારાષ્ટ્રથે બે શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે. સાયબર માફિયાઓએ સી.સી.ટી.વી. કેમેરા હેક કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર આ બંને આરોપી યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલના મારફતે મહિલા દર્દીઓના વીડિયો વેચતા હતા અને તેના બદલામાં મોટી રકમ વસૂલતા હતા. ટૂંક સમયમાં આ બંને આરોપીઓને મહારાષ્ટ્રથી ગુજરાત લાવવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું કે, પ્રસૂતાઓના વીડિયો વાયરલ કરવાનો ગંદો ધંધો દેશવ્યાપી હોવાનું જણાઈ આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જ ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાંથી આ પ્રકારના કારસ્તાન કરતી ટોળકીઓ સક્રિય હોવાનું જણાઈ આવ્યું છે. જો કે, આ પ્રકારના વીડિયો મેળવવા માટે નિશ્ચિત શખ્સો સક્રિય હોવાની વિગતો મળતાં ત્રણ રાજ્યોમાં તપાસ હાથ ધરાઈ છે. ઊંડી તપાસના પગલે પ્રસૂતાઓ અને મહિલાઓના હોસ્પિટલમાં ખાનગી વીડિયો વાયરલ કરવાના દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે.
શું છે સમગ્ર મામલો
મેટરનીટી હોસ્પિટલોમાં પ્રસૂતાઓની સારવાર અને તપાસના વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલો ઉપર અપલોડ કરીને કમાણીનો દેશવ્યાપી ગંદો ધંધો ચાલી રહ્યો છે. આવો ચોંકાવનારો ઘટસ્ફોટ અમુક વીડિયો રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટરનીટી હોમના હોવાનો ખુલાસો થયા બાદ થયો છે. ફરિયાદ નોંધીને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે રાજકોટમાં ધામા નાખી હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફના નિવેદનો નોંઘ્યાં હતાં.
રાજકોટની પાયલ મેટરનિટી હોમમાં નિવેદનો બાદ વધુ બે નામ ખૂલ્યાં
રાજકોટની હોસ્પિટલમાં પ્રસુતા અને અન્ય પ્રકારની ખાનગી કહી શકાય તેવી સારવાર માટે આવેલી મહિલાઓની તપાસના પ્રાઈવેટ વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ ઉપર વાયરલ થયાની વિગતોમાં તથ્ય જણાતાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંઘ્યો હતો. અમદાવાદ અને રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસની ટીમ સાથે મળી પાયલ મેટરનીટી હોમમાં તપાસ કરી ડીવીઆર અને સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા. પાયલ મેટરનીટી હોમના સંબંધીત ડોકટરો અને સ્ટાફની આજે પુછપરછ કરી નિવેદનો પણ લીધા હતા. રાજકોટમાં સાયબર લેબોરેટરી તપાસમાં જોડાતાં બે શકમંદોના નામ ખુલતાં આંતરરાજ્ય તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં તપાસ અને પૂછપરછ બાદ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમોને દોડતી કરવામાં આવી છે.